મોરબી નગર પાલિકા વિસ્તાર આવતી મિલકતોનો વર્ષ 2021-22 વર્ષ દરમિયાન રૂ 28 કરોડ જેટલો વેરો ઉઘરાવવાનો રહે છે જોકે આસામીઓ દ્વારા વેરો ભરપાઈ કરવામાં બેદરકારી દાખવવામાં આવી તેમજ પાલિકા દ્વારા પણ ઉઘરાણી કરવામાં આળસ દાખવી તેના કારણે છેલ્લા નવ મહિનામાં માત્ર રૂ 7 કરોડ આસપાસ જ વેરો વસુલ થયો હતો એટલે કે પાલિકા વિસ્તારમાં નોધાયેલ કુલ મિલકતના માત્ર 25 ટકા જેટલા અસમીઓએ પોતાનો વેરો ભર્યો હતો
હવે માર્ચ મહિનો નજીક આવતા મોરબી પાલિકાની ઊંઘ ઉડી હોય તેમ અચાનક વેરો ઉઘરાણી કરવાની કામગીરી તેજ કરી દીધી છે. અને વેરો ન ભરનાર આસામીઓને આજથી નોટીસ આપવાની કામગીરી હાથ ધરી છે. આ માટે પાલિકામાં ફરજ બજાવતા 21 જેટલા કર્મચારીઓની 11 જેટલી ટીમની રચના કરી છે.અને બપોર બાદ અલગ અલગ વોર્ડ વિસ્તારમાં 1 લાખ કે તેથી વધુ રકમનો વેરો બાકી હોય તેમને વેરા ભરવા નોટીસ આપવાની કામગીરી હાથ ધરશે. પ્રથમ દિવસે 500 જેટલા અરજદારોને નોટીસ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલ જે આસામીઓને નોટીસ આપવામાં આવી રહી છે તેમને ભરવો પડતો વેરો 31 માર્ચ પહેલા ભરપાઈ કરવા અંગેની યાદગીરી અપાવતી નોટીસ છે જો આ નોટીસ મળ્યે પણ 31 માર્ચ પહેલા વેરો ભરપાઈ નહી કરે તેવા આસામીઓની યાદી બનાવશે અને જરૂર પડ્યે મિલકત ધારકોને પાણી કનેક્શન કાપવાની સુધી કાર્યવાહીની ચીમકી પણ પાલિકા દ્વારા આપવામાં આવી છે.

