રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 33 જિલ્લામાં નવા પ્રભારી સચિવની નિમણુંક કરાઈ છે. અમુક જિલ્લામાં જૂના પ્રભારીઓને યથાવત્ત રખાયા છે. પ્રભારી સચિવોને કોરોનાની કામગીરીનું સુપરવિઝન કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.

કોરોનાને કંટ્રોલમાં લેવા માટે નવા પ્રભારી સચિવને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં રાજકોટમાં રાહુલ ગુપ્તા, વડોદરામાં વિનોદ રાવ અને સુરતમાં થેન્નારસનને યથાવત રાખ્યાં છે તો અમદાવાદનો શહેરનો હવાલો મુકેશકુમારને સોંપાયો છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસોના કારણે તંત્ર એલર્ટ બન્યું છે. કોરોનાના સંક્રમણના પગલે રાજ્યમાં તમામ આરોગ્ય અધિકારી અને કર્મચારીઓની રજાઓ રદ્દ કરાઈ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4213 કેસો નોંધાયા છે. જ્યારે એકનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. સાડા સાત મહિના બાદ પ્રથમ વખત 4200થી વધુ કેસો સામે આવ્યાં છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 1853 નોંધાયા છે. તો સુરતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઈ છે. આજે સુરતમાં કોરોનાના નવા 1105 કેસો નોંધાયા હતાં.

