ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સમાજ સંગઠનો અને જ્ઞાતિવાદની રાજનીતિ ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. આ માટે બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જાણીતા નેતાઓ પોતપોતાની માગણી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કરી રહ્યા છે. પણ મામલો એ સામે આવ્યો છે કે, દેવજી ફતેપરા નારાજ છે. મીડિયા મુલાકાતમાં તેમણે એવું જણાવ્યું હતું કે, બાવળીયાએ રામ-લક્ષ્મણની જોડી તોડી નાંખી છે.
જ્યારે કુંવરજી બાવળીયા સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે, દેવજીભાઈ સાબરિયા અને મુંજપરા સાથેના વાંધામાં મારૂ નામ ઉછળ્યું છે. સાબરિયા અને મુંજપરા બેઠકમાં આવવાના હોવાથી ફતેપરાએ મારે એનું મોઢું નથી જોવું એવું કહી મિટિંગમાં આવવાની ચોખ્ખી ના પાડી દીધી. આ મિટિંગમાં સી.આર.પાટીલ પણ રહ્યા હતા. હવે આમા હું શું કરી શકું. અમે કોઈ રામ લક્ષ્મણની જોડી છીએ જ નહીં. દેવજી ફતેપરા કોળી સમાજના અગ્રણી છે. જ્યારે બાવળીયાને દેવજી ફતેપરાએ રામ લક્ષ્મણની જોડી તોડી એ મુદ્દે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે વિસ્તારથી કહ્યું કે, દેવજીભાઈ પહેલા સાંસદ હતા. પહેલી વખત કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા. એમાં મારો હાથ હતો. મેં તેને બધેય ફેરવ્યા હતા. એ બધુ તો ઠીક પણ હમણા સુધી સક્રિય ન હતા. રવિવારે કોળી સમાજની એક બેઠક બોલાવી હતી. જેમાં તા.5 જાન્યુઆરીએ પાટીલની શુભેચ્છા મુલાકાતે જવાનું છે એવી વાત કહી હતી. કોળી અને ઠાકોર સમાજના લોકોએ જવાનું છે પણ નક્કી થઈ ગયું હતું. આ વાત હું મીડિયા સામે બોલી ગયો હતો. દેવજીભાઈએ મને કહ્યું કે, કોણ કોણ આવવાના છે. તો મેં કહ્યું કે, સમાજના આગેવાનો, તો સામેથી દેવજીભાઈએ પૂછ્યું કે, ડૉ. મુંજપરા આવવાના છે? મેં કહ્યું હા. ધારાસભ્ય પુરૂષોત્તમ સાબરિયા? મે કહ્યું હા, પછી કહ્યું કે, એ બધા આવવાના હોય તો હું નથી આવવાનો.

મેં કહ્યું, શું કામ નથી આવવું. તે તેમણે એવું કહ્યું કે, આ બધા ગમે તેમ મારા વિશે બોલે છે તેથી હું આવવાનો જ નથી. આવું કહીને તેમણે પહેલા જ ના પાડી દીધી. બાકી રામ લક્ષ્મણની જોડી છે જ નહીં. સમગ્ર ગુજરાતમાં ઠાકોર અને કોળી સમાજના લોકો એક સાથે ભેગા થયા એ જ કમલમમાં ઈતિહાસ છે. તમારા સમાજ સાથે અન્યાય થયો છે? એના જવાબમાં કહ્યું કે, સંગઠન ન હોય તો અન્યાય થાય. પાર્ટીએ આ લોકોને ક્યાંક તો લેવા જ પડશે. પાર્ટી ત્યારે જ મહત્ત્વ આપે જ્યારે શાખ હોય અને કામ પણ કરેલું હોય. સમાજનું કોઈ સંગઠન ન હોય તો પાર્ટી શું આપવાની.
ટિકિટ અંગે જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે બાવળીયાએ કહ્યું કે, એવું કંઈ નથી. પક્ષ જે નક્કી કરે એ પ્રમાણે થાય. એવું મેં ક્યાં કહ્યું કે, અન્યાય થાય છે, કામ કરે એટલે ન્યાય તો મળે જ. એમાં પછી હું કે બીજું કોઈ કેમ ન હોય. ડૉ. મુંજપરાને કારણે દેવજીભાઈ ન આવ્યા એવું પૂછાતા તેમણે એવું ઉમેર્યું કે,પુરૂષોત્તમ સાબરિયા અને દેવજીભાઈ વચ્ચે વાંધા છે. પછી એવું કહે કે, કુંવરજીભાઈએ આવું કર્યું.સમસ્ત કોળી સમાજ 27 જિલ્લાઓમાંથી અને ઉત્તર ગુજરાતના ચારેય જિલ્લાઓમાંથી ઠાકોર સમાજના મોટા અને મહત્ત્વના આગેવાનો અહીં હતા. સી.આર. પાટીલને મળવા માટે 36થી વધારે આગેવાન આવ્યા હતા. દેવજીભાઈ એવું કહે છે કે, મને નથી કહ્યું, તો આ બધા કહ્યા વગર આવ્યા હશે. પણ સી.આર. પાટીલ પાસે સમય માંગ્યો હતો.

