ગુજરાતની શાળાઓના જર્જરીત મકાન અને વર્ગ ખંડો મામલે હાઈકોર્ટની શિક્ષણ વિભાગને ફટકાર બાદ શિક્ષણ વિભાગ સક્રિય થઈ ગયું છે. પરિણામે રાજ્યની શાળાઓના ઓરડાઓની ઘટ મુદ્દે તમામ શિક્ષણાધિકારીઓને ખાસ પત્ર લખી શાળા નિર્માણની કામગીરી ઉપરાંત વૈકલ્પિક વ્યવસ્થા સહિતના મુદ્દે જવાબ માગ્યા છે. એટલું જ નહીં જરૂર પડ્યે અલગ અલગ શિફ્ટમાં સ્કૂલ ચલાવવાની સૂચના સાથે જરૂર હોય ત્યાં શાળાના આચાર્યે અન્ય સરકારી કે ખાનગી ગ્રાન્ટેડ શાળામાં બાળકોનો અભ્યાસ કરાવવા ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાની પણ સૂચના આપવામાં આવી છે.

આ તમામ વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી શાળાના મુખ્ય શિક્ષકને સોપાઈ છે. ગુજરાત રાજ્યમાં મોટાભાગની શાળાઓના મકાનો ઉપરાંત ઘણા વર્ગખંડો લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. જેના કારણે વિદ્યાર્થીઓને ખુલ્લામાં અથવા અન્ય જગ્યાએ અભ્યાસ કરવાની ફરજ પડતી હોય છે. આ મુદ્દે હાઇકોર્ટે સરકારના શિક્ષણ વિભાગ સામે લાલ આંખ કરી છે. હવે તંત્ર મોડે મોડે જાગ્યું છે. સરકારે આ હાલત અંગે ખુદ જ આખરે સ્વીકાર કરવો પડે છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરેલા આદેશમાં ઉલ્લેખ કર્યો છે કે કેટલીક જર્જરિત શાળાઓના મકાનોનું નું નિર્માણ કાર્ય ચાલતું ન હોવાને કારણે વિદ્યાર્થીઓ માટે મુખ્ય શિક્ષક વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવાયું છે.
પરંતુ ગોકળગાયની ગતિએ ચાલતા નિર્માણકાર્યથી બાળકોને મને-કમને વૈકલ્પિક વ્યવસ્થામાં જોડાવું પડે છે. એટલું જ નહીં તાજેતરમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી એ પણ ખુલ્લામાં બેસતા બાળકોના અભ્યાસ બાબતે પૂછેલા પ્રશ્નનો બેજવાબદાર ઉત્તર આપતા આવી શાળાઓમાં ભણતા બાળકો અને વાલીઓની લાગણી પણ દુભાઈ છે. રાજ્ય સરકારે નવું નિર્માણ ઝડપથી થાય અને તે કામગીરી સમયમર્યાદામાં પુરી કરાવવાના બદલે શાળા સંચાલકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પાડતા આ આદેશથી સરકારી શિક્ષકોમાં કચવાટ શરૂ થયો છે.

