ઉત્તર પ્રદેશના બાંદામાં ચોરીની એક રસપ્રદ ઘટના સામે આવી છે. ચોરોએ અહીં પહેલા વેલ્ડીંગ કરી આપતી એક દુકાનમાંથી સામાનની ચોરી કરી લીધી હતી. પણ પીડિતની પરેશાની જાણીને ચોર પણ ભાવુક થઈ ગયા હતા. ચોરે ચોરેલો દરેક સામાન પાછો આપી દીધો હતો. આ સાથે એક પત્ર લખીને માલિકની માફી પણ માંગી હતી. આ ઘટના પાછળ એમને ખોટી જાણકારી મળી હોવાની પણ વાત કહી છે.
આ માટે ચોરે પહેલા સામાનને એક ડબ્બામાં પેક કરી એના પર એક પત્ર લખીને માફીનામું લખ્યું હતું. આ ઘટના ન માત્ર પોલીસ વિભાગમાં પણ સમગ્ર જિલ્લામાં ચર્ચામાં રહી છે. ઉત્તર પ્રદેશના બિસંડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ચંદ્રાયલ ગામનો રહેવાસી દિનેશ તિવારીની આર્થિક સ્થિતિ નાજુક છે. થોડા સમય પહેલા રૂ,40,000ની ઉઘારી કરીને વેલ્ડિંગ કરી આપવાનું કામ શરૂ કર્યું હતું. તા.20 ડીસેમ્બરના રોજ જ્યારે તે પોતાની દુકાન ખોલવા માટે ગયો ત્યારે દુકાનનું તાળું તૂટેલું હતું. હથિયાર સહિત અન્ય સામાન પણ ચોરી થઈ ગયો હતો. આ ઘટનાની જાણ તેમણે બિસંડા પોલીસ સ્ટેશનમાં કરી. પણ કોઈ કારણોસર કેસ ફાઈલ થઈ શક્યો ન હતો. તા.22 ડીસેમ્બરના રોજ લોકોને ખબર પડી કે, એનો ચોરેલો સામાન એના ઘરથી થોડે દૂર એક જગ્યા પર પડ્યો છે. ચોર દિનેશનો સામાન ગામની એક ખાલી જગ્યા પર ફેંકીને ચાલ્યા ગયા હતા. પરત કરેલા સામાન સાથે એક પત્ર પણ હતો. જેમાં એવું લખ્યું હતું કે આ સામાન દિનેશ તિવારીનો છે. અમને બીજા વ્યક્તિની જાણકારી મળી હતી. અમે માત્ર એ જ વ્યક્તિને ઓળખીએ જેના લોકેશનની અમને સૂચના આપવામાં આવી હોય છે. આ દિનેશ તિવારીનો સામાન હશે એવી અમને પહેલા ખબર ન હતી. પણ જયારે આ વ્યક્તિની જાણકારી સામે આવી ત્યારે અમને દુઃખ થયું.

હવે અમે એનો સામાન પરત આપી રહ્યા છીએ. ખોટા લોકેશનને કારણે અમારાથી આ ભૂલ થઈ છે. આ સાથે માફીનામું પણ આપીએ છીએ. આ પરથી પુરવાર થાય છે કે, ચોર બહારના વ્યક્તિઓ હતા. એમને આ ગામ કે જિલ્લાની કોઈ જાણકારી ન હતી. પણ ચોરે તમામ સામાન પાછો આપી દેતા વ્યક્તિને હાશકારો થયો છે. આ વ્યક્તિ હકીકતમાં ખૂબ જ ગરીબ છે એટલે સામાન પાછો આપી દીધો છે. દિનેશે કહ્યું કે, તા.20 ડીસેમ્બરના રોજ મારી દુકાનેથી ચોરી થઈ હતી. 2 વેલ્ડિંગ મશીન, એક કાંટો, એક મશીન અને એક ડ્રિલ મશીન ચોરી ગયા હતા. પછી ગામના એક વ્યક્તિએ મને કહ્યું કે મારો સામાન રસ્તાના કિનારે પડ્યો છે. જ્યારે એ જગ્યા પર હું પહોંચ્યો ત્યારે એક ચિઠ્ઠી અને સામાન પડ્યો હતો જેમાં લખ્યું હતું ભૂલથી તમારે ત્યાં ચોરી થઈ છે. અમે સામાન પરત કરીએ છીએ.

