રાજકોટ સિટીમાં શુક્રવારે એક સાથે ચાર સ્કૂલમાં કોરોના વાયરસના કેસ મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. આ અંગે શાળામાં ચેકિંગ શરૂ કરવા મુદ્દે DEOને સવાલ કરવામાં આવ્યા હતા. આ મામલે DEO બી.એસ. કૈલાએ વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, અમુક સ્કૂલમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન ઓછું થાય છે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ શાળાઓમાં ચેકિંગ શરૂ કરવામાં આવશે. જો શાળામાં ગાઈડલાઈન્સનું પાલન યોગ્ય રીતે થતું નથી તો ચેકિંગ કેમ નહીં? એ પ્રશ્ન રાજકોટના વાલીઓમાં ચર્ચાય રહ્યો છે.

ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની રવિવારે ચૂંટણી થવાની છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકના ટોળા એકઠા થશે ત્યારે ગાઈડલાઈન્સનો ભંગ થશે. ચૂંટણીના એક દિવસ પહેલા રાજકોટ શહેરની શાળાઓમાં કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે. આ મામલે શિક્ષણાધિકારી સ્વીકારે છે કે, અમુક શાળાઓમાં ગાઈડલાઈન્સનું પાલન ઓછું થાય છે. પછી તેમણે ચૂંટણી બાદ જુદી જુદી 25 શાળાઓમાં દૈનિક ધોરણે ચેકિંગની વાત કહી છે.

રાજકોટ સિટીની ચાર સ્કૂલમાં વિદ્યાર્થી સહિત શિક્ષક પણ પોઝિટિવ મળી આવ્યા છે. આ માટે જુદા જુદા સ્કૂલ વાહનમાં પણ ચેકિંગ થવું જરૂરી છે. જ્યાં સૌથી વધુ ગાઈડલાઈન્સનો ભંગ થાય છે. વાહન ચેકિંગ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીએ હાથ ઊંચા કરીને ખો RTO વિભાગને આપી દીધી છે. વાલીઓ એ મુદ્દે ચર્ચા કરે છે કે, તંત્રની સામે આવી ગાઈડલાઈન્સનો ભંગ થઈ રહ્યો છે તો તંત્ર પગલાં કેમ નથી લેતું? રાજકોટના ARTO એમ.ડી.પાનસેરિયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાના વાવડ મળ્યા છે. વાનમાં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડી સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળીયો કરાઈ રહ્યો છે.

સ્કૂલ વાહનોને ધ્યાને લઈને એક ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. જેમાં બપોર સુધીમાં 8 જેટલા મોટા વાહન અટકાવીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આવનારા દિવસોમાં પણ નિયમિત પણે આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે. આવા વાહનોમાં બાળકોને ન મોકલો એવી અપીલ પણ વાલીઓને કરાઈ છે. શાળાઓ શરૂ થયા બાદ શિક્ષણ વિભાગ તરફથી જુદી જુદી ટીમ તૈયાર કરીને ચેકિંગ કરાશે એ વાત માત્ર કાગળ પર રહી ગઈ છે. આની સાબિતી તાજેતરમાં કોરોનાના આવેલા કેસ આપે છે. હવે પ્રશ્ન એ ચર્ચાય કે ચૂંટણી મહત્ત્વની છે કે, બાળકોનું આરોગ્ય? પંચાયતની ચૂંટણી પછી ચેકિંગ શરૂ થશે. તો આટલા સમયથી ચાલી રહેલી સ્કૂલમાં એક વખત પણ ચેકિંગ કેમ ન કરાયું?

