મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન કંડલા બાયપાસ પર આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના નજીક જાહેર જગ્યામાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી કરી હતી.
દરોડા દરમિયાન પોલીસે ગંજીપત્તા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા આઠ મહિલાઓ સહિત કુલ નવ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડ રૂપિયા 12,200 સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં નીતાબા ઉર્ફે ચેતનાબા બળભદ્રસિંહ ઝાલા, ગીતાબા જયેન્દ્રસિંહ ચુડાસમા, ઇલાબા ઉર્ફે આરતીબા મહેન્દ્રસિંહ જાડેજા, ગંગાબેન બચુભાઈ ઠાકોર, વર્ષાબેન સુરેશભાઈ રાઠોડ, ચંપાબેન બચુભાઈ અઘારા, પ્રીતીબેન મુકેશભાઈ વસાણીયા, વિજયભાઈ ચંદુભાઈ ચોધરી અને જાનકીબેન રાજેશભાઈ ચારેલાનો સમાવેશ થાય છે.
આ અંગે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

