મોરબી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા ચોમાસુ પાકને મોટી રાહત મળી છે. છેલ્લા 48 કલાક દરમિયાન જિલ્લાના ચાર તાલુકામાં દોઢથી અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાતા કપાસ અને મગફળીના પાકને નવજીવન મળ્યું છે. જોકે વાંકાનેર તાલુકામાં માત્ર અડધો ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોની ચિંતા હજુ યથાવત છે.
આ વર્ષે ચોમાસામાં શરૂઆતથી જ વરસાદની અનિયમિતતા જોવા મળી છે. જૂન અને જુલાઈમાં અપેક્ષા મુજબ વરસાદ ન પડ્યા બાદ ઓગસ્ટ મહિનામાં થોડા દિવસ માટે સારો વરસાદ થયો હતો. ત્યારબાદ ફરી લાંબો વિરામ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. લાંબા સમય સુધી વરસાદ ન પડવાથી ખાસ કરીને કપાસ અને મગફળીના પાકમાં પાણીની અછતની અસર જોવા મળી હતી.
હવે લગભગ 40 દિવસના વિરામ બાદ જિલ્લામાં ફરી વરસાદી રાઉન્ડ શરૂ થતાં ચાર તાલુકાના ખેતી વિસ્તારોમાં રાહત જોવા મળી રહી છે. છેલ્લા 48 કલાકમાં પડેલા વરસાદથી અંદાજે 2.36 લાખ હેક્ટર વિસ્તારમાં રહેલા પાકને ફાયદો થયો હોવાનું માનવામાં આવે છે. જેના કારણે ખેડૂતોમાં આશાનું વાતાવરણ સર્જાયું છે.
જોકે વાંકાનેર તાલુકાની સ્થિતિ હજુ અલગ છે. અહીં છેલ્લા 48 કલાકમાં માત્ર 16 મીમી એટલે કે અડધા ઇંચથી થોડો વધુ વરસાદ નોંધાયો છે. પૂરતો વરસાદ ન મળતા અંદાજે 56,977 હેક્ટર વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
છેલ્લા 48 કલાકમાં તાલુકાવાર વરસાદ

દોઢથી બે ઇંચ વરસાદ પાક માટે ફાયદાકારક
લાંબા સમયથી વરસાદના અભાવે કપાસ અને મગફળીના પાકને અસર થઈ રહી હતી. જ્યાં સિંચાઈની સુવિધા હતી ત્યાં પાકની સ્થિતિ પ્રમાણમાં સારી રહી હતી, પરંતુ પાણીની સુવિધા ન ધરાવતા વિસ્તારોમાં પાકની વૃદ્ધિ અટકવા લાગી હતી. હાલનો દોઢથી બે ઇંચ વરસાદ પાક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે વાંકાનેરમાં પડેલો છૂટોછવાયો વરસાદ પૂરતો નથી અને અહીં હજુ સારા વરસાદની જરૂરિયાત છે, તેમ કૃષિ નિષ્ણાત ડો. ગનીભાઈ સરસિયાએ જણાવ્યું છે.

