વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા 13 માસથી નાસતા ફરતા આરોપીને મોરબી AHTU ટીમ અને વાંકાનેર તાલુકા પોલીસની સંયુક્ત ટીમે મધ્યપ્રદેશના ભોપાલમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન અપહરણમાં ભોગ બનેલી સગીર વયની યુવતીને પણ હસ્તગત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં આરોપી સાગર દેવચંદ મયારામ વર્મા (ઉંમર 22 વર્ષ), મૂળ રહે. લાલપુરીયા, તા. સુટાલીયા, જિ. રાજગઢ, મધ્યપ્રદેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આરોપી ફરિયાદીની સગીર વયની પુત્રીને અપહરણ કરી પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારબાદ પોલીસથી બચવા માટે નાસતો ફરતો હતો.
દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આરોપી સાગર વર્મા મધ્યપ્રદેશના ભોપાલ શહેરના પીપલાની પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે હોવાની શક્યતા છે. બાતમીના આધારે મોરબી AHTU ટીમ અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમે ભોપાલના પીપલાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ હાથ ધરી આરોપી સાગર વર્માને ઝડપી પાડ્યો હતો. સાથે જ અપહરણમાં ભોગ બનેલી સગીર યુવતીને પણ શોધી કાઢી બંનેને મોરબી લાવવામાં આવ્યા હતા.
આ મામલે આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

