HomeGujaratમોરબીમાં માર્કેટિંગ યાર્ડની હાર ભાજપ માટે આત્મમંથનનો સંકેત , કોંગ્રેસ માટે તક

મોરબીમાં માર્કેટિંગ યાર્ડની હાર ભાજપ માટે આત્મમંથનનો સંકેત , કોંગ્રેસ માટે તક

મોરબી જિલ્લામાં વર્ષોથી રાજકીય રીતે સર્વેસત્તાધીશ બની રહેલા ભાજપ માટે માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ માત્ર એક ચૂંટણીની હાર નથી, પરંતુ સંગઠન માટે આત્મમંથનનો મોટો સંકેત છે. લાંબા સમય બાદ કોંગ્રેસે માર્કેટિંગ યાર્ડમાં જીતનો સ્વાદ ચાખીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે.

મોરબી જિલ્લામાં ભાજપની મજબૂત રાજકીય પકડ હોવા છતાં યાર્ડની ચૂંટણીમાં મળેલી કરારી હાર પાછળ અનેક કારણોની ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને ભાજપની આંતરિક જૂથબંધી અને સંગઠનમાં ચાલતી ખેંચતાણનો મુદ્દો ફરી સામે આવ્યો છે. સ્થાનિક સ્તરે નેતાઓ વચ્ચેના મતભેદો અને વ્યક્તિગત રાજકીય ગણિતની સીધી અસર ચૂંટણીના પરિણામ પર પડી હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે.

બીજી તરફ ખેડૂતોની નારાજગી પણ ભાજપ માટે ચિંતાનો વિષય બની છે. ખેડૂતો સાથે જોડાયેલા પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓ અને તેમની અપેક્ષાઓને સમયસર સમજવામાં અને નારાજગી દૂર કરવામાં ભાજપનું સંગઠન નિષ્ફળ રહ્યું હોવાનો સંદેશ આ પરિણામે આપ્યો છે.

રાજકારણમાં સૌથી મોટું જોખમ વિરોધ પક્ષની તાકાત નહીં, પરંતુ પોતાની તાકાત અંગેનું અતિશય આત્મવિશ્વાસ હોય છે. “અમે જ સૌથી વધુ હોંશિયાર છીએ અને અમને કોઈ હરાવી શકે નહીં” જેવી માનસિકતા જ્યારે સંગઠનમાં ઘર કરી જાય ત્યારે જનતાના અસંતોષના સંકેતો નજરઅંદાજ થવા લાગે છે. મોરબીના પરિણામને ભાજપ માટે આવી જ માનસિકતા સામેની રાજકીય થપ્પડ તરીકે પણ જોવામાં આવી રહી છે.

જનતાના આક્રોશને હલકામાં લેવું ભાજપને ભારે પડ્યું છે. જોકે આ એક ચૂંટણીનું પરિણામ છે, તેને સમગ્ર રાજકીય પરિસ્થિતિનો અંતિમ નિર્ણય ગણવો વહેલું છે.

ભાજપ માટે હવે સંગઠન, જૂથવાદ અને ખેડૂતોની નારાજગી અંગે ગંભીર મંથન કરવાનો સમય છે, જ્યારે કોંગ્રેસ માટે આ જીતને માત્ર ઉજવણી પૂરતી મર્યાદિત રાખવાને બદલે તેને સંગઠન મજબૂત કરવાની તકમાં પરિવર્તિત કરવાનો સમય છે. તો કોંગ્રેસ માટે આ દુકાળમાં અધિક માસ જેવો સંદેશ છે જનતાની નારાજગી મત સુધી પરિવર્તિત કરવામાં મળેલી સફળતાને આગળ કેવી રીતે વધારવી એ ચિંતન કરવાની તક ઉભી થઇ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW