ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલા ‘ઓપરેશન મિલાપ’ અભિયાન અંતર્ગત મોરબી તાલુકા પોલીસે વર્ષ 2026 દરમિયાન નોંધપાત્ર સફળતા મેળવી છે. આ અભિયાન હેઠળ ગુમ થયેલા બાળકો, મહિલાઓ અને પુરુષોને શોધી તેમના પરિવારજનો સાથે સુરક્ષિત રીતે મિલાપ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ વિભાગ દ્વારા આધુનિક ટેકનોલોજી, ફેસ રેકોગ્નિશન સિસ્ટમ, ડેટાબેઝ તેમજ હ્યુમન સોર્સની મદદથી ગુમ થયેલા અને અપહરણના બનાવોમાં સતત તપાસ કરવામાં આવી હતી. તેના પરિણામે અત્યાર સુધીમાં કુલ 36 વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં સફળતા મળી છે.
આ કામગીરીમાં ગુમ થયેલી 16 મહિલાઓ, 8 પુરુષો અને અપહરણના ગુનામાં ભોગ બનેલી 12 સગીરાઓને સુરક્ષિત રીતે શોધી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ કામગીરી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન, સરહદી રેન્જ (કચ્છ)ના આઈજીપી, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી.

