મોરબી નેશનલ હાઈવે પર જિલ્લા કલેક્ટર ખરેની સતર્કતાને પગલે ખાણ ખનીજ વિભાગે એક બહુ મોટા ગેરકાયદે ખનીજ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ધરમપુર નજીક આવેલા ‘એ.જે.માઇક્રોન પ્રાઇવેટ લિમિટેડ’ નામના યુનિટ દ્વારા પરવાના વગર ફેલ્સ્પાર ખનીજનો મોટો જથ્થો સંગ્રહ કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ખાણ ખનીજ વિભાગે યુનિટને સીઝ કરીને ૨૧ ટકા પેનલ્ટી સાથે કુલ રૂ. ૨,૬૩,૪૬,૯૭૭ (૨.૬૩ કરોડ) નો તોતિંગ દંડ ફટકાર્યો છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, જિલ્લા કલેક્ટર ખરેએ મોરબી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા ખનીજ ભરેલા એક ટ્રકને શંકાના આધારે રોક્યો હતો. ટ્રકના રોયલ્ટી પાસ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરતા તેમાંથી ફેલ્સ્પાર સોડા અને ફેલ્સ્પાર પોટાશનો જથ્થો મળી આવ્યો હતો. આ ટ્રકના ચાલકે ધરમપુર પાસે આવેલી ‘એ.જે.માઈક્રોન’ ફેક્ટરીનું ઈ-વે બિલ બતાવ્યું હતું. જો કે, આ અંગેના કાયદેસરના કાગળો માંગવામાં આવતા પેઢી જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી.
કલેક્ટરના આદેશ બાદ ખાણ ખનીજ વિભાગે તાત્કાલિક એ.જે.માઇક્રોન યુનિટને સીઝ કરી દીધું હતું. ફેક્ટરીના કમ્પાઉન્ડમાં ખડકાયેલા ખનીજના જથ્થાની માપણી અને ચકાસણીની કામગીરી સતત બે દિવસ સુધી ચાલી હતી. આ તપાસ દરમિયાન યુનિટમાંથી કુલ ૭૭,૭૬૫ મેટ્રિક ટન ફેલ્સ્પારનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. ૨,૧૭,૭૪,૩૬૦ થવા જાય છે.
૨ વર્ષ પહેલાં પરવાનો રદ કરાવ્યો, છતાં વેપાર ચાલુ રાખ્યો!
ખાણ ખનીજ વિભાગની ઊંડાણપૂર્વકની તપાસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે.
-
પરવાનો ક્યારે મળ્યો?: આ પેઢીને કલેક્ટરના હુકમથી ૫ મે ૨૦૨૨ના રોજ ૧૦ વર્ષ માટે માઇકા અને ફેલ્સ્પાર ખનીજના સ્ટોરેજ તેમજ ટ્રેડિંગ માટે સ્ટોક રજિસ્ટ્રેશન મળ્યું હતું.
-
પરવાનો ક્યારે રદ થયો?: કંપની દ્વારા ગત તા. ૦૩/૦૨/૨૦૨૪ના રોજ આ રજિસ્ટ્રેશન રદ કરવા અરજી કરાઈ હતી, જેને પગલે કલેક્ટર કચેરીએ તા. ૦૩/૦૭/૨૦૨૪ના રોજ આ પરવાનો રદ કરી દીધો હતો.
આમ, સત્તાવાર રીતે પરવાનો રદ થઈ ગયો હોવા છતાં કંપની દ્વારા ગેરકાયદેસર રીતે રાજસ્થાનથી ખનીજનો જથ્થો મંગાવી, તેનું પ્રોસેસિંગ કરીને મોરબીની સિરામિક ફેક્ટરીઓમાં રો-મટિરિયલ તરીકે વેચાણ કરવામાં આવી રહ્યું હતું.
ડાયરેક્ટરને ૧૫ દિવસની નોટિસ
ખાણ ખનીજ અધિકારી દ્વારા ગેરકાયદે સંગ્રહ અને પર્યાવરણીય નુકસાનીના વળતર પેટે ૨૧ ટકા પેનલ્ટી ઉમેરીને કુલ રૂ. ૨,૬૩,૪૬,૯૭૭નો દંડ વસૂલવા નોટિસ અપાઈ છે. વર્ષ ૨૦૧૭ના નિયમ ૨૨ મુજબ કંપની આ સમાધાનની રકમ ભરવા સહમત છે કે નહીં, તે અંગેનો ખુલાસો કરવા માટે એ.જે.માઇક્રોન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરને ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

