સરકાર દ્વારા ડીઝલ વિતરણ અને કન્ઝ્યુમર પંપ (Consumer Pump) અંગે બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રને કારણે કચ્છ સહિત સમગ્ર ગુજરાતના ટ્રાન્સપોર્ટરો ભારે વ્યવહારુ અને આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ અસમાન નીતિ અને માર્કેટમાં સર્જાયેલી ડીઝલની તંગીના વિરોધમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક રાહત આપવા માંગ કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટરોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો તેઓ સ્વૈચ્છિક રીતે વાહનો ઉભા રાખી દેશે, જેનાથી બંદરો અને ઉદ્યોગોની સપ્લાય ચેઇનને વ્યાપક અસર થઈ શકે છે.
કન્ઝ્યુમર પંપ ધારકોને પ્રતિ લિટરે રૂ.40નું મોટું નુકસાન
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, કચ્છ જિલ્લામાં અંદાજે 70% જેટલા વાહન માલિકો પોતાના અંગત વપરાશ માટે ‘કન્ઝ્યુમર પંપ’ ધરાવે છે. ભૂતકાળમાં જમીન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લાયસન્સ પાછળ લાખો રૂપિયાનું મૂડીરોકાણ કરનાર આ ટ્રાન્સપોર્ટરોને હાલના પરિપત્ર મુજબ પ્રતિ લિટર અંદાજે ₹137 ના ઊંચા ભાવે ડીઝલ ખરીદવું પડી રહ્યું છે. તેની સામે સામાન્ય વાહનચાલકોને રીટેલ પંપ પર ડીઝલ અંદાજે ₹93 ના ભાવે મળી રહે છે. આમ, પોતાના પંપ હોવા છતાં ટ્રાન્સપોર્ટરોને પ્રતિ લિટરે ₹૪૦ જેટલું મોંઘું ડીઝલ ખરીદવું પડતાં આ વ્યવસાય આર્થિક રીતે અશક્ય બની ગયો છે.
ભાડામાં 30% સુધીનો વધારો ઝીંકાશે તો મોંઘવારી વધશે
જો ટ્રાન્સપોર્ટરોએ આ જ મોંઘા ભાવે કામગીરી ચાલુ રાખવી પડશે, તો આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં 25% થી 30% સુધીનો ભાવવધારો કરવો અનિવાર્ય બનશે. આ સ્થિતિમાં આયાત-નિકાસ, ઉદ્યોગો અને છૂટક બજારની ચીજવસ્તુઓ મોંઘી થતાં સમગ્ર દેશમાં મોંઘવારીનો મોટો આંચકો આવી શકે છે.
પેટ્રોલ પંપો ‘ડ્રાય’: લાંબા રૂટ પર ડ્રાઇવરો બેહાલ
ટ્રાન્સપોર્ટરોની અન્ય એક મુખ્ય સમસ્યા ડીઝલની અછત છે. છેલ્લા એક મહિનાથી કચ્છ અને ગુજરાતના મોટાભાગના પેટ્રોલ પંપો સાંજે 7 વાગ્યાથી બીજા દિવસના બપોરે 12 વાગ્યા સુધી તેમજ રવિવાર અને સોમવારે બપોર સુધી “Dry” (ડીઝલ વગરના) રહે છે. મુંદ્રાથી સુરત કે વાપી જેવા લાંબા રૂટ પર દોડતી ગાડીઓને રસ્તામાં (સામખિયાળી કે અન્ય સ્થળે) જ્યારે તાત્કાલિક ડીઝલની જરૂર પડે છે, ત્યારે પંપ પર સ્ટોક ન હોવાને કારણે ગાડીઓ રસ્તામાં જ ઉભી રાખવાની ફરજ પડે છે.
મુખ્ય માંગણીઓ:
-
કન્ઝ્યુમર પંપ ધરાવતા ટ્રાન્સપોર્ટરોને પણ રીટેલ પંપ સમાન દરે અથવા યોગ્ય રાહત દરે ડીઝલ ઉપલબ્ધ કરાવવામાં આવે.
-
લાંબા રૂટ પર ડીઝલની કટોકટી સમયે વૈકલ્પિક વ્યવસ્થા માટે વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવે.
-
બંદરો અને આવશ્યક સેવાઓ ખોરવાય નહીં તે માટે પંપો પર ડીઝલનો પૂરતો જથ્થો જળવાઈ રહે તેવી તાકીદની વ્યવસ્થા થાય.
સ્થાનિક ટ્રાન્સપોર્ટ એસોસિએશને આશા વ્યક્ત કરી છે કે કલેક્ટર અને પુરવઠા વિભાગ કચ્છના આર્થિક કરોડરજ્જુ સમાન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના હિતમાં અને દેશહિતમાં આ બાબતે હકારાત્મક અને સહાનુભૂતિપૂર્વક તાત્કાલિક નિર્ણય લેશે.

