HomeGujaratમોરબીમાં ઘર છોડી નીકળી ગયેલી માનસિક અસ્વસ્થ મહિલાનું 181ની ટીમે પરિવાર સાથે...

મોરબીમાં ઘર છોડી નીકળી ગયેલી માનસિક અસ્વસ્થ મહિલાનું 181ની ટીમે પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું

 મોરબીમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે ફરી એકવાર સરાહનીય કામગીરી કરીને માનવતા મહેકાવી છે. ઘરથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલી અને રસ્તા પર ભટકી રહેલી એક માનસિક અસ્વસ્થ મહિલાને શોધી કાઢીને ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે સુરક્ષિત મિલન કરાવ્યું હતું.

 મોરબીના એક વિસ્તારમાં એક અજાણી મહિલા લાંબા સમયથી એકલી બેઠેલી જોવા મળી હતી. આસપાસના લોકોએ પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મહિલા સરખો જવાબ આપી શકતી નહોતી. આ જોઈને એક જાગૃત નાગરિકે તાત્કાલિક ‘૧૮૧ મહિલા હેલ્પલાઇન’ પર ફોન કરીને મદદ માંગી હતી.માહિતી મળતા જ મોરબી અભયમ ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતિબેન તથા પાયલોટ વિરમભાઈ રબારી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. શરૂઆતમાં મહિલા ખૂબ જ ડરેલી હોવાથી કશું બોલતી નહોતી. પરંતુ અભયમ ટીમે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તેને સાંત્વના આપી, પાણી પીવડાવીને વિશ્વાસમાં લીધી હતી. લાંબી પૂછપરછ અને કુશળ કાઉન્સિલિંગના અંતે મહિલા પાસેથી તેના પરિવારનો સંપર્ક નંબર મેળવવામાં સફળતા મળી હતી.

અભયમ ટીમે તાત્કાલિક પરિવારનો સંપર્ક કરી તેમને બોલાવ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે અને કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. તેઓ પણ સવારથી જ આસપાસના વિસ્તારોમાં તેની શોધખોળ કરી રહ્યા હતા પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. અભયમ ટીમે મહિલાને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી હતી. સાથે જ પરિવારને સમજાવ્યા હતા કે મહિલાની ખાસ કાળજી રાખવી અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે તેમની યોગ્ય તબીબી અને માનસિક સારવાર કરાવવી.પોતાની સ્વજનને હેમખેમ પાછી મેળવતા જ પરિવારના સભ્યો ભાવુક થઈ ગયા હતા અને ૧૮૧ અભયમ ટીમ તેમજ જાગૃત નાગરિકનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.


RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW