મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા. 17 માર્ચથી 23 માર્ચ 2026 દરમિયાન વિવિધ સ્થળોએ ફાયર સેફ્ટી અંગે જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજાયા હતા. આ અંતર્ગત 3 સરકારી કચેરીઓમાં કુલ 34 કર્મચારીઓ તેમજ એક હોસ્પિટલના 25 સ્ટાફ સભ્યોને ફાયર પ્રિવેન્શન અંગે તાલીમ આપવામાં આવી હતી.
આ ઉપરાંત, આગથી બચાવના પગલાં વધુ મજબૂત કરવા માટે સમાજવાડીઓ, કોમ્પ્લેક્સ અને ઉદ્યોગ એકમોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટની તપાસ હાથ ધરાઈ હતી. જ્યાં ફાયર NOC ન હોવાનું જણાયું, ત્યાં સંબંધિત બિલ્ડિંગોને નોટિસ આપી જરૂરી માર્ગદર્શિકા અને સૂચનાઓ આપવામાં આવી હતી. અગાઉ આપેલ નોટિસના અનુસંધાનમાં 195 કોમ્પ્લેક્સ અને 38 સમાજવાડીઓમાં ફાયર સેફ્ટી સિસ્ટમ સ્થાપિત કરી કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ આ સમયગાળામાં ફાયર સેફ્ટી મંજૂરી માટે 5 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જે આર.એફ.ઓ. કચેરીમાં આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવી છે.

આ તમામ પ્રયાસોનો મુખ્ય હેતુ નાગરિકોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવાનો, આગ લાગ્યાની સ્થિતિમાં સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવાનો અને તાત્કાલિક અગ્નિશમન શાખાનો સંપર્ક કરી જાનમાલનું રક્ષણ કરી શકાય તેવો છે.
શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા 5 નવા ફાયર સ્ટેશનો સ્થાપવાના આયોજન પર પણ કામ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂ. 45 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેથી આધુનિક સાધનો અને સુવિધાઓ સાથે શહેર વધુ સુરક્ષિત બની શકે.

