HomeGujaratહળવદના સાપકડામાં વાડીમાં રખડતા ઢોર રાખવા બાબતે આધેડ પર હુમલો

હળવદના સાપકડામાં વાડીમાં રખડતા ઢોર રાખવા બાબતે આધેડ પર હુમલો

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે વાડીના શેઢે લાકડાના થાંભલા ખોડવા જેવી સામાન્ય બાબતે લોહીયાળ સંઘર્ષ થયો હોવાની ઘટના સામે આવી છે. રેઢીયાર ઢોરને રોકવા માટે થાંભલા નાખતા પરિવાર પર પાડોશીએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે.

હળવદના સાપકડા ગામે રહેતા 57 વર્ષીય ખેડૂત ઘનશ્યામભાઈ પરસોતમભાઈ મકવાણાએ ગામના જ મનસુખભાઇ ઉર્ફે મુનાભાઇ કાનજીભાઇ મકવાણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગત મુજબ, ગત 21 માર્ચ 2026ના રોજ સવારે 10:30 વાગ્યાની આસપાસ સાપકડા ગામની સીમમાં ઘનશ્યામભાઈના ભાઈ અને ભત્રીજો પોતાની વાડીમાં રેઢીયાર ઢોર ન ઘૂસે તે માટે લાકડાના થાંભલા ખોડી રહ્યા હતા. આ દરમિયાન પાડોશી ખેતર ધરાવતા આરોપી મનસુખભાઇએ આ ખોડેલા થાંભલા કાઢી નાખ્યા હતા.

જ્યારે ફરિયાદી ઘનશ્યામભાઈ આ બાબતે આરોપીને સમજાવવા ગયા, ત્યારે મામલો બિચક્યો હતો. આરોપીએ ઉશ્કેરાઈને ગાળાગાળી શરૂ કરી હતી. ઘનશ્યામભાઈએ ગાળો બોલવાની ના પાડતા, આરોપી મનસુખભાઇએ ઉશ્કેરાઈને લાકડાના ધોકા વડે ઘનશ્યામભાઈના માથાના ભાગે જોરદાર ફટકો મારી દીધો હતો. આ હુમલામાં ફરિયાદીને ગંભીર ઈજા પહોંચતા માથાના ભાગે ૮ ટાંકા લેવા પડ્યા હતા. એટલું જ નહીં, આરોપીએ જતી વખતે ગુનાહિત ધમકી પણ આપી હતી. બનાવ અંગે હળવદ પોલીસે આરોપી મનસુખભાઇ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ એ.એસ.આઇ. જી.એચ. જીડીયા ચલાવી રહ્યા છે.

 

 

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW