મોરબી તાલુકાના ઘુંટુ ગામના રામનગરી વિસ્તારમાં રહેતી 47 વર્ષની સુમિત્રાબેન પ્રેમજીભાઈ ગોહિલે પોતાના પુત્ર રોહિત પ્રેમજીભાઈ ગોહિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, ગત તા.19મી તારીખે રાત્રે તેઓ તેમના જેઠના ઘરે જઈ પાછા પોતાના ઘરે આવ્યા ત્યારે ઘર બંધ હતું, તેથી તેઓ બહાર જ બેઠા રહ્યા હતા.
તે દરમિયાન તેમનો પુત્ર રોહિત ત્યાં આવ્યો અને તેમને ધમકી આપી કે હવે તમને જીવતા નથી રાખવા, હું નહીં તો બીજાઓ દ્વારા પણ મારી નાખીશ. આ દરમિયાન તેણે ગાળો પણ આપી હતી. જે બાદ પડોશીઓ એકત્ર થઈ જતા રોહિત ત્યાંથી ભાગી ગયો હતો. પછી સુમિત્રાબેન પોતાના પિતાના ઘરે જતા રહ્યા હતા અને ત્યારબાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં જઈ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

