મોરબી શહેરના કામધેનુ પાર્ટી પ્લોટ સામે આવેલા સીતારામ પેલેસમાં રહેતા જતીનભાઈ ચતુરભાઈ કુંડારિયા (ઉ.વ. 43)એ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, Kelly, Samir Gupta અને Customer Manager સહિત અન્ય અજાણ્યા આરોપીઓએ ટેલીગ્રામ દ્વારા સંપર્ક કરી ઓનલાઈન ટ્રેડિંગમાં રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચ આપી હતી. શરૂઆતમાં થોડો નફો દેખાડી વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ ફરિયાદીને પોતાના એજન્ટ તરીકે આઈડી બનાવી આપી હતી.
આ આઈડી મારફતે તા. 08/08/2025 થી 07/11/2025 દરમિયાન શેરબજારમાં રોકાણ કરાવ્યું હોવાનું બતાવી આરોપીઓએ ફરિયાદીને રૂ. 1,11,99,751 નો નફો થયો હોવાનું જણાવી લોભાવ્યા હતા. પરંતુ જ્યારે ફરિયાદીએ આ નફાની રકમ ઉપાડવાની કોશિશ કરી ત્યારે ટેક્સ, કમિશન અને દસ્તાવેજી ખર્ચ જેવા બહાના બતાવી અલગ-અલગ યુપીઆઈ આઈડી અને બેંક ખાતામાં કુલ રૂ. 50,14,603 ટ્રાન્સફર કરાવ્યા હતા.
આખરે કોઈ નફો મળ્યો નહીં અને પૈસા પણ પરત ન મળતાં પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

