વાંકાનેર તાલુકાના સમથેરવા સીમ વિસ્તારમાં ફાયર ક્લે (ફાયર કલે) ખનીજના બિનઅધિકૃત ખનનના કેસમાં ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતું-મોરબીની તપાસ ટીમે મોટી કાર્યવાહી કરી છે.તા. ૧૮ માર્ચ, ૨૦૨૬ના રોજ કલેક્ટર મોરબીના માર્ગદર્શન હેઠળ અને ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચના અનુસાર આકસ્મિક રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થળ પરથી બે એક્સકેવેટર મશીનો જપ્ત કરવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત રૂપિયા ૮૦ લાખ છે.જપ્ત કરાયેલ મશીનોમાં એક કોમાત્સુ કંપનીનું પીળા રંગનું એક્સકેવેટર છે, જેના માલિક કુલદીપસિંહ દિલીપસિંહ જાડેજા (રહે. બ્લોક નં. ૨૯, મયુર સોસાયટી, ત્રાજપર, તા. જિ. મોરબી) છે. બીજું સેની કંપનીનું એક્સકેવેટર છે, જેના માલિક પ્રવીણભાઈ શેલાભાઈ ફાંગલીયા (ભરવાડ) (રહે. મોરથળા, તા. થાન, જિ. સુરેન્દ્રનગર) છે.બંને એક્સકેવેટરોને ફાયર ક્લે ખનીજનું બિનઅધિકૃત ખનન કરતા સ્થળેથી અટકાવીને સીઝ કરવામાં આવ્યા છે અને તાલુકા પોલીસ સ્ટેશન, વાંકાનેરની કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે.ખાતાની તપાસ ટીમે જણાવ્યું છે કે આ કેસમાં ગુજરાત મીનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

