મોરબીના નાની વાવડી વિસ્તારમાં રહેતા એક ટ્રાન્સપોર્ટ અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ યુવાન સાથે જમીન સોદામાં રૂ. 75.75 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. મોરબી તાલુકા પોલીસ મથકે પાંચ શખ્સો વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના નાની વાવડીમાં આવેલી શિવવિલા સોસાયટીમાં રહેતા 37 વર્ષીય મનીષભાઇ કેશવજીભાઇ મોરડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આજથી ત્રણેક માસ પહેલા સંદીપભાઇ માવજીભાઇ મેરજા,અકીભાઇ શાહ,કેતનભાઇ લાલજીભાઇ સંઘાણી,રાજેશભાઇ દેશાભાઇ ચૌહાણ નામના આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી સાથે જમીનનો સોદો કર્યો હતો. મનીષભાઇ પાસેથી જમીનના સોદા પેટે કુલ 75.75 લાખ રૂપિયા રોકડા મેળવી લીધા હતા. પરંતુ નાણાં મેળવ્યા બાદ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો નહોતો અને મનીષભાઈ સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે ગઈકાલે રાત્રે 9:05 કલાકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેના આધારે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ડી ડી જોગેલાએ તપાસ હાથ ધરી હતી

