મોરબી ડેપો હેઠળ ચાલતા માળિયા–રાજકોટ રૂટ અંગે માળિયા શહેરના લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા કક્ષાના અને દસ હજારથી વધુ વસ્તી ધરાવતા માળિયા શહેર માટે આ માત્ર એક જ નાઈટ બસ રૂટ છે. છતાં પણ આ રૂટને વારંવાર કેન્સલ કરવામાં આવતો હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો છે.
મહેન્દ્રગઢ ગામના લોકોના જણાવ્યા મુજબ માળિયા–રાજકોટ રૂટ છેલ્લા બે દિવસથી બંધ છે અને બસ ડેપોમાં જ પડી હોવાનું જણાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આસપાસના એવા ગામોમાં જ્યાં માંડ 300 થી 400 જેટલી વસ્તી છે ત્યાં બે નાઈટ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે માળિયા જેવા મોટા શહેર માટે એકમાત્ર નાઈટ રૂટ પણ બંધ રાખવામાં આવ્યો છે.
આ બાબતે મહેન્દ્રગઢ તેમજ આ રૂટમાં આવતા અન્ય ગામના લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોનું કહેવું છે કે જો ઈરાદાપૂર્વક આ રૂટ બંધ રાખી જનતાને મુશ્કેલીમાં મૂકવામાં આવશે તો તેઓ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર વિભાગમાં ફરિયાદ કરશે અને જરૂર પડશે તો કોર્ટનો પણ આશરો લેશે.
માળિયા શહેરના લોકોએ તાત્કાલિક માળિયા–રાજકોટ નાઈટ બસ રૂટ ફરી શરૂ કરવા તેમજ ભવિષ્યમાં આ રૂટ વારંવાર કેન્સલ ન થાય તેની ખાતરી કરવા માટે માંગ કરી છે

