રાજ્યભરમાં આ વર્ષે ઉનાળાની આકરી શરૂઆત જોવા મળી રહી છે છેલ્લા એક સપ્તાહથી દિવસ દરમિયાન તાપમાન ઝડપથી ઉચકાઈ રહ્યું છે જેના કારણે લોકોને આકરી ગરમીનો અનુભવ માર્ચ મહિનાની શરૂઆતથી થઇ રહ્યો છે.સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૂર્ય દેવતા ના આકરા તાપનો અનુભવ થઇ રહ્યો છે રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 17 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ 17 જિલ્લામાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, સુરત અને કચ્છનો સમાવેશ કરાયો છે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે આ સિઝનમાં મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસથી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે.ગુજરાતમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદ, રાજકોટ, અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં તાપમાન 41થી 42 સુધી પહોંચી શકે છે. ત્યારબાદ પારો 2થી 3 ડિગ્રી નીચે જતા ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર ગયું છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. મધ્ય ગુજરાત ખાસ કરીને અમદાવાદ શહેરમાં આકાશ ખુલ્લું રહેશે અને સખત તડકો રહેવાની શક્યતા છે

