હાલ રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે સોમવારે ધોરણ 12 માં પોલીટીક્સ નું પેપર યોજાયું હતું જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ધોરણ-૧૨ બોર્ડ પરીક્ષાના એક કેન્દ્રમાં અજીબોગરીબ ઘટના બની છે. મંગલમ વિદ્યાલય ખાતે આવેલા પરીક્ષા કેન્દ્રમાં નોધાયેલ એક માત્ર વિદ્યાર્થી પરીક્ષા આપવા હાજર થયો ન હતો. જેના કારણે આખું કેન્દ્ર ખાલી રહ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેન્દ્રમાં પોલિટિક્સ (રાજનીતિ વિજ્ઞાન) વિષયની પરીક્ષા માટે માત્ર એક જ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન હતું. પરંતુ તે વિદ્યાર્થી પણ પરીક્ષા આપવા આવ્યો નહીં અને ગેરહાજર રહ્યો. પરિણામે, પરીક્ષા કેન્દ્રમાં શિક્ષકો, સુપરવાઇઝર અને સ્ટાફ હાજર હોવા છતાં કોઈ પણ વિદ્યાર્થીની હાજરી ન હતી.

આ અણધારી ઘટનાથી મંગલમ વિદ્યાલયના સંચાલક ખૂબ જ રોષે ભરાયા હતા. તેમણે કહ્યું કે, “સરકારી નાણાંનો અયોગ્ય ઉપયોગ થાય છે અને માસૂમ બાળકોના શિક્ષણની ગુણવત્તા પર અસર પડે છે. જો ફોર્મ ભર્યા છે તો પરીક્ષા આપવી જ જોઈએ – આવી બેદરકારી સહન કરી શકાય નહીં.” તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ફોર્મ ભર્યા પછી પરીક્ષા આપવાની જવાબદારી નિભાવવા માટે સખત ટકોર કરી હતી.
આ ઘટના GSEBની પરીક્ષા વ્યવસ્થા અને વિદ્યાર્થીઓની હાજરી અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા કરે છે. હળવદ જેવા વિસ્તારોમાં ઘણી વખત નાના કેન્દ્રોમાં ઓછા વિદ્યાર્થીઓ હોય છે, પરંતુ સંપૂર્ણ ખાલી કેન્દ્ર એ અસાધારણ છે. GSEB અધિકારીઓએ આ મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય.
સ્થાનિક શિક્ષણ વર્તુળ અને શાળા સંચાલકોએ આવા કિસ્સાઓ અટકાવવા માટે વધુ જાગૃતિ અને ફોલો-અપની વાત કરી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી આવી ઘટનાઓ ગંભીરતાથી લેવાની જરૂર છે.

