મોરબી મહાનગરપાલિકાએ મુખ્યમંત્રી આવાસ યોજના (Integrated Housing & Slum Development Programme – IHSDP) અંતર્ગત લીલાપર રોડ પર સર્વે નંબર 1116 ખાતે નિર્મિત 336 આવાસોની ફાળવણી રદ્દ કરી છે. આ નિર્ણય યોજનાના નિયમો અને ધોરણોનું પાલન ન કરવા બદલ લેવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા 30 જાન્યુઆરી 2017ના રોજ કોમ્પ્યુટર આધારિત ડ્રો દ્વારા 400 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. જોકે, આ પૈકી 336 લાભાર્થીઓએ યોજનાના નિયમો અનુસાર નિર્ધારિત સંપૂર્ણ રકમ સમયમર્યાદામાં ભરપાઈ ન કરી હતી. કેટલાક કિસ્સાઓમાં આવાસોનો કાયમી ધોરણે ઉપયોગ ન કરવામાં આવ્યો હતો અથવા તો અન્ય વ્યક્તિઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
સક્ષમ અધિકારીઓ દ્વારા આ બાબતોની ચકાસણી બાદ 336 આવાસોની ફાળવણી રદ્દ કરવામાં આવી છે. રદ્દ થયેલા આવાસો પરત મેળવીને મહાનગરપાલિકા નવી અરજીઓ મંગાવી પુનઃફાળવણીની પ્રક્રિયા હાથ ધરશે.
રદ્દ થયેલા લાભાર્થીઓના મૂળ સરનામા અપૂર્ણ હોવાથી વ્યક્તિગત નોટિસ મોકલવી શક્ય ન હોવાને કારણે યાદીને લીલાપર રોડ ખાતેની યોજના સાઇટ પર બિલ્ડિંગ-વાઇઝ (ફાળવેલ આવાસના સરનામા મુજબ) ચસ્પાં કરીને પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા કચેરીના નોટિસ બોર્ડ પર પણ યાદી મૂકવામાં આવી છે.
આ યાદી તા. 3 માર્ચ 2026થી 13 માર્ચ 2026 સુધી કચેરીના સમય દરમિયાન જોઈ શકાશે. મહાનગરપાલિકાએ સંબંધિત લાભાર્થીઓને આ બાબતની નોંધ લેવા અનુરોધ કર્યો છે.

