HomeGujaratઉનાળાની લૂ અને રોગચાળાથી બચાવ: મોરબી જિલ્લામાં NPCCHH અંતર્ગત ટાસ્ક ફોર્સ સમિતિની...

ઉનાળાની લૂ અને રોગચાળાથી બચાવ: મોરબી જિલ્લામાં NPCCHH અંતર્ગત ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક મળી

મોરબી જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને ‘નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ’ (NPCCHH) અંતર્ગત ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ક્લાઈમેટ ચેન્જ સામે આરોગ્યલક્ષી પૂર્વ તૈયારીઓ અને રક્ષણાત્મક પગલાંઓ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

લોક-આરોગ્યને સુદ્રઢ બનાવવા માટે બેઠકમાં પાંચ મુખ્ય ઉદ્દેશ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં જનજાગૃતિ માટે IEC કેમ્પેઈન, આરોગ્ય કર્મીઓનું ક્ષમતા વર્ધન, વહેલી ચેતવણી સિસ્ટમ (EWARS) મજબૂત કરવી, વિવિધ વિભાગો વચ્ચે આંતર-સંકલન સાધવું અને ICMR સાથે મળીને ક્લાઈમેટ સેન્સિટિવ રોગો પર દેખરેખ રાખવાનો સમાવેશ થાય છે. જિલ્લા વિકાસ અધિકારીએ વધતા તાપમાન અને પર્યાવરણીય ફેરફારોની માનવ શરીર પર પડતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી આગામી ઉનાળાને ધ્યાને રાખી હીટ વેવથી બચવા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ‘ORS કોર્નર’ કાર્યરત રાખવા અને જરૂરિયાતમંદ વસ્તીને ORS પેકેટનું વિતરણ કરવા સૂચનાઓ આપી હતી.

આરોગ્ય સુરક્ષાના ભાગરૂપે વિવિધ રોગચાળાને નિવારવા દાવાના સ્ટોકની સુનિશ્ચિતતા, પીવાના પાણીના સ્ત્રોતોમાં નિયમિત અને યોગ્ય ક્લોરિનેશન, ખોરાકની ગુણવત્તા જળવાય તે માટે ફૂડ ઇન્સ્પેક્શન ટીમની સક્રિયતા અને વાતાવરણમાં પ્રદૂષણ રોકવા ઉદ્યોગોમાં નિયમોના કડક પાલન અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વધુમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘ગ્રીન અને ક્લાઈમેટ રિઝિલિયન્ટ’ જિલ્લાના નિર્માણ માટે કટિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.
બેઠક દરમિયાન મોરબી GPCB દ્વારા મોરબીની હવાની ગુણવત્તા અંગે આંકડાકીય માહિતી રજૂ કરતા જણાવાયું હતું કે, ઔદ્યોગિક હબ હોવા છતાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રદૂષણ નિયંત્રણના સચોટ પગલાંને પરિણામે PM 2.5 ના સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે અને હાલ મોરબીની હવા ‘સંતોષકારક થી મધ્યમ’ શ્રેણીમાં છે તેવું GPCB અને CPCB ના માપદંડો દર્શાવે છે.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW