રાજ્ય સરકારનું વર્ષ 2026-27નું વાર્ષિક બજેટ આજે વિધાનસભામાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું. આ બજેટમાં વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ માટે અલગ-અલગ માળખાકીય સુવિધાઓ તેમજ વિશેષ સુવિધાઓ સાથેની જાહેરાતો કરવામાં આવી હતી. મોરબી જિલ્લાની પણ તેમાં લાભ મળતો હોય તેવું જણાઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મોરબી શહીદ સમગ્ર સૌરાષ્ટ્રની ઓળખ સમાન એલ ઈ કોલેજ માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના માળીયા અને ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટેની વહીવટી કચેરીના નવા બાંધકામ માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
હજી રજૂ થયેલા બજેટમાં મોરબીની ઐતિહાસિક અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં ભૂતકાળમાં સમગ્ર ગુજરાતમાં નામના ધરાવતી એલઇ કોલેજ માટે ખાસ પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ટેકનિકલ શિક્ષણની વેગ આપવાના આશયથી એલઈ કોલેજમાં માળખાકીય સુવિધાઓ વધારવા અને લેબોરેટરીઝના અપગ્રેડેશન માટેની જોગવાઈ કરવામાં આવી છે. કોલેજમાં નવા કોર્સ શરૂ થાય તેવા પણ પ્રયાસ કરવામાં આવ્યા છે અને સૌથી મહત્વની બાબત એ છે કે, એલ ઈ કોલેજને ઓટોનોમસ એટલે કે સ્વાયતાનો દરજ્જો આપવાનું પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવ્યું છે. એલઈ કોલેજની માળખાકીય સુવિધાઓમાં વધારો કરવા માટે રૂ. 35 કરોડની મત પર રકમની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ જાહેરાતથી મોરબી જિલ્લા તેમજ નજીકના જિલ્લાના વિદ્યાર્થીઓને પણ આધુનિક ટેકનિકલ શિક્ષણનો લાભ મળશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
માળીયા અને ટંકારામાં નવી મહેસુલી કચેરીનું નિર્માણ કરાશે.
રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લામાં વહીવટી સરળતા અને નાગરિકોની સુવિધાઓ વધારવા માટે મહેસુલી વિભાગ હેઠળની નવી કચેરીઓની નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમા ટંકારા અને માળીયા તાલુકાના મહેસુલી ભવનનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે જેના માટે રૂ.240 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા દરેક મહાનગર પાલિકા વિસ્તાર 150 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જાહેરાત કરી છે. જેનો લાભ મોરબી જિલ્લાને પણ મળશે ખાસ કરીને ફ્લાય ઓવર બ્રિજ નીચે સામાન્ય રીતે ગેર કાયદે દબાણ અને ગેર કાયદે પ્રવૃતિ ચાલતી હોય છે, ત્યારે આવી પ્રવૃતિ અટકાવવા હવે આવા ફ્લાય ઓવર નીચે નાના પાયે સ્પોર્ટ્સ એક્ટિવિટી ડેવલપ કરવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો લાભ પણ મોરબી સુધી મળશે તેવી શક્યતા સેવાઈ રહી છે.
મીઠું પકવતા અગરિયાની લાંબા સમયની માગનો સ્વીકાર થયો
દેશના સૌથી લાંબા દરિયા કિનારે તેમજ નાના રણ વિસ્તારા ધમધમતા મીઠા ઉદ્યોગમાં લાખો અગરિયા તેમની રોજીરોટી મેળવી રહ્યા છે, ત્યારે આ અગરિયાઓને તેમના ખાસ યુનિક નંબર સાથેનું આવાસ ફાળવણી ની પણ જાહેરાત કરી છે. મોરબી જિલ્લામાં હળવદ અને માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં અગર પરિવારનો વસાવટ છે જેને પણ ખાસ લાભ મળશે.

