એક તરફ વિવિધ પંચાયત અને પાલિકાઓની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ચૂંટાયેલી બોડીનું ટર્મ પૂર્ણ થતા વહીવટદાર શાસન આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. તો બીજી તરફ ચાલુ નાણાકીય વર્ષ પણ પૂર્ણ થઇ રહ્યું છે, ત્યારે આવનાર નાણાકીય વર્ષ દરમિયાન થનારા ખર્ચ અને આવકનું અનુમાન લગાવી તેના આધારે વિકાસ કામનું એક અંદાજપત્ર તૈયાર કરી ગ્રામ્ય વિસ્તાર ઝડપી વિકાસ કામની જાહેરાત કરી આગામી ચૂંટણીમાં મતદારો સુધી જઈ શકાય તે માટે ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારી તૈયારી કરી રહ્યા છે.
ત્યારે મોરબી જિલ્લા પંચાયત દ્વારા પણ આગામી નાણાકીય વર્ષના બજેટ જાહેર કરવાની તૈયારી શરુ કરી દીધી છે. જિલ્લા પંચાયતના હિસાબી શાખા દ્વારા વર્ષ 2026 -27 ના વર્ષનું બજેટ તૈયાર કર્યું છે અને આગામી 24 ફેબ્રુઆરીના રોજ સામાન્ય સભાનું આયોજન કર્યું. આ સભામાં જિલ્લા પંચાયત દ્વારા સામાન્ય સભામાં રજુ કરવામાં આવશે. આ ઉપરાંત ચાલુ વર્ષનું સુધારેલું બજેટ પણ મંજુરી માટે મુકાશે.
સામાન્ય સભામાં આગાઉની સભાની કાર્યવાહી નોધ, થયેલ ઠરાવ,તેમાં એક કલાક સુધીની પ્રશ્નોત્તરી, સદસ્યોના ઠરાવ રેતી રોયલ્ટીની ગ્રાન્ટના મંજુર થયેલા કામને સૈધ્ધાંતિક તેમજ વહીવટી મંજુરી આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના મંજુર થયેલા 15મી નાણા પંચના જિલ્લાના 10 ટકાના રજુ થયેલા કામના હેતુફેર સહિતના કામને મંજુરી માટે મુકવામાં આવશે.

