માળીયા મીયાણાના મોટા દહીસરા ગામે રહેતા અને વેપાર કરતા કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ દ્વારા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ કમલેશભાઈ વિરડા રહે. સોનગઢ તા. માળીયા મીયાણા તેમજ રમેશભાઈ હમીરભાઈ બરારીયા, વિનોદભાઈ રાણાભાઈ બરારીયા, મુળુભાઈ બીજલભાઈ બરારીયા, હિતેશભાઈ મુળુભાઈ બરારીયા અને ભવાનભાઈ બીજલભાઈ બરારીયા (બધા રહે. મોટા દહીસરા તા. માળીયા મીયાણા) તેમજ હિતેશભાઈ બરારીયાના મોટા તથા નાના સાળા દ્વારા ફરિયાદી વિરુદ્ધ ગુનો આચરવામાં આવ્યો હતો.
ફરિયાદ મુજબ માળીયાના સરવડ ગામના ઉમિયા નગરમાં આવેલ ફરિયાદી કિશોરભાઇ લોખિલના રાજારામ પાણીના કારખાને આરોપીઓ આવ્યા હતા, જ્યાંથી કિશોરભાઇ લોખિલને જબરદસ્તી મહેન્દ્રા સ્કોર્પિયો કારમાં બેસાડી અપહરણ કરી મોટા દહીસરા ગામ નજીક આવેલી વિશાલ રોડવેઝની ઓફિસે લઈ ગયા હતા. ત્યાં આરોપીઓએ કિશોરભાઇને ધોકા તેમજ ઢીકા-પાટુ વડે માર માર્યો હતો, જેમાં તેને ઈજાઓ પહોંચી હતી તથા જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ બાબતે પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

