મોરબી તાલુકા પોલીસ મથકમાં સોસાયટીના રહેવાસીઓ દ્વારા પ્રાથમિક સુવિધાઓ ન આપવાના મામલે અલગ-અલગ ત્રણ ફરિયાદો નોંધાઈ છે.
પ્રથમ ફરિયાદ મુજબ, મોરબીના પીપળી ગામ પાસે પીપળી રોડ ઉપર આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા ભરતભાઈ વિઠ્ઠલભાઈ પરમારે આરોપી હસમુખભાઈ વલમજીભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ વર્ષ 2019માં ભરતભાઈના માતા નંદુબેન વિઠ્ઠલભાઈ પરમારના નામે દસ્તાવેજ કરી આપ્યા હતા અને સોસાયટીમાં પાણી, રોડ-રસ્તા, કોમન પ્લોટ સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની સરકારમાં બાંહેધરી આપી હતી. તેમજ મકાન મજૂરી અને અન્ય સુવિધાઓ પોતે જ પૂરી પાડશે તેમ કહી વિશ્વાસમાં લઈ મકાનના બદલે માત્ર પ્લિન્થ લેવલના દસ્તાવેજ આપી પ્રાથમિક સુવિધાઓ માટે વસૂલ કરેલ રકમ લઈ કોઈ સુવિધા ન આપી વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજી ફરિયાદ પીપળી ગામ પાસે આવેલી માનસધામ સોસાયટીના રહેવાસી જગદીશભાઈ ઘેલાભાઈ બોચિયા દ્વારા નોંધાવવામાં આવી છે. તેમણે આરોપી મનીષભાઈ કેશવજીભાઈ કાલરીયા, રહેવાસી પાટીદાર ગઢ અવધ, નાની કેનાલ રોડ, મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર આરોપીએ વર્ષ 2022માં દસ્તાવેજ કરી આપી સોસાયટીમાં પાણી, રોડ-રસ્તા, કોમન પ્લોટ સહિતની સુવિધાઓ આપવાની ખાતરી આપી હતી. પરંતુ મકાનના બદલે પ્લિન્થ લેવલના દસ્તાવેજ આપી પ્રાથમિક સુવિધાઓ માટે લેવાયેલા નાણાં લઈ કોઈ વ્યવસ્થા ન કરતા ફરીયાદી તથા અન્ય રહેવાસીઓ સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.
ત્રીજી ફરિયાદ પીપળી ગામ પાસે આવેલી ત્રિલોકધામ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ ભલાભાઈ ચાવડા દ્વારા નોંધાવવામાં આવી છે. તેમણે શિવપુર, તા.હળવદના રહેવાસી પ્રવીણભાઈ ગણેશભાઈ ગામી સામે ફરિયાદ કરી હતી. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ વર્ષ 2022માં નિતાબેન વિનોદભાઈ ચાવડાના નામે દસ્તાવેજ કરી આપી સોસાયટીમાં પાણી, રોડ-રસ્તા અને કોમન પ્લોટ જેવી સુવિધાઓ પૂરી પાડવાની બાંહેધરી આપી હતી. પરંતુ મકાનના બદલે પ્લિન્થ લેવલના દસ્તાવેજ આપી પ્રાથમિક સુવિધાઓ માટે વસૂલ કરેલ રકમ લઈ કોઈ સુવિધા ન આપી વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્રણેય ફરિયાદોના આધારે મોરબી તાલુકા પોલીસે સંબંધિત આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

