મોરબીના નવા જાંબુડીયા ગામમાં રહેતા મહેશભાઈ વીરજીભાઈ ખરાએ માર્ગો મેક્સ કંપનીના માલિક અશોક પટેલ તથા તેના બે સાથીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. જે ફરિયાદ મુજબ, ગત તા. 15 જાન્યુઆરીના રોજ માર્ગો મેક્સ કારખાનામાંથી એક મજૂર મહેશભાઈની કેબિન પર 50 બાફેલા ઈંડા લેવા આવ્યો હતો. તે સમયે એટલા ઈંડા તૈયાર ન હોવાની જાણ કરતા મજૂરે ગાળો આપી ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ કંપનીના સુપરવાઈઝર અને બાદમાં કારખાનાના માલિક અશોક પટેલ ત્યાં પહોંચ્યા હતા અને ઉગ્ર ભાષા વાપરી હતી.
આ દરમિયાન અશોક પટેલે લાકડી લાવી મહેશભાઈના પગ પર હુમલો કર્યો હતો, જ્યારે તેના સાથે આવેલા બે સાથીઓએ ઢીકા અને પાટુનો માર માર્યો હતો. આ હુમલામાં મહેશભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમના પુત્ર ચંદ્રકાંતભાઈને પણ ત્રણેય આરોપીઓએ માર માર્યો અને જાતી પ્રતેય અપમાનીત કર્યો હતો. આ ઘટના સમયે આસપાસના દુકાનદારો વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. હુમલામાં મહેશભાઈને પગ, છાતી સહિત શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ પહોંચી હતી, જેને પગલે તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ મોરબી તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

