આગામી 31 ડિસેમ્બરના અનુલક્ષીને મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુસર મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ડે-કોમ્બીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન નંબર પ્લેટ વગરના વાહનો, કાળા કાચ (બ્લેક ફિલ્મ) લગાવેલી ગાડીઓ તેમજ પ્રોહીબીશનના ગુનામાં સંકળાયેલા બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગની આગેવાની હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી., ટ્રાફિક શાખા ઉપરાંત મોરબી સીટી એ ડીવી, મોરબી સીટી બી ડીવી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની અલગ-અલગ ટીમો રચી શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. શહેરના મહત્વના સ્થળોએ ટ્રાફિક પોઇન્ટ ગોઠવી દારૂ પી ને વાહન ચલાવતા ચાલકો, કાળા કાચવાળી ફોરવ્હીલ ગાડીઓ, ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના વાહનો, સીટ બેલ્ટ ન પહેરનાર ચાલકો તેમજ રોંગ સાઇડ અને ટ્રાફિકમાં અડચણરૂપ બને તેવા વાહન ચાલકો સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા.
આ સમગ્ર કોમ્બીંગ કામગીરી દરમિયાન પોલીસ અધિક્ષક, મોરબીની માર્ગદર્શન હેઠળ 1 નાયબ પોલીસ અધિક્ષક, 8 પોલીસ ઇન્સ્પેક્ટર, 11 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 127 પોલીસ કર્મચારીઓ મળી કુલ 147 પોલીસ અધિકારી અને કર્મચારીઓની ટીમો દ્વારા મોરબી શહેર વિસ્તારમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તેમજ કેટલાક વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા. સાથે જ પ્રોહીબીશન સંબંધી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બુટલેગરો સામે સફળ રેડો કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કેસો નોંધવામાં આવ્યા હતા.
આ ડે-કોમ્બીંગ દરમિયાન કાળા કાચવાળી ગાડીઓ સામે: 58 કેસ, ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો: 37 કેસ, એમ.વી. એક્ટ-207 મુજબ વાહન ડીટેઇન: 11 કેસ, જાહેરમાં તિક્ષ્ણ હથિયાર સાથે મળેલ ઇસમ (GPA-135): 1 કેસ, સીટ બેલ્ટ ન પહેરવાના: 4 કેસ, BNS-281 મુજબ: 1 કેસ, દારૂ પી ને વાહન ચલાવવાના (MVA-185): 7 કેસ,ટ્રાફિકમાં અડચણરૂપ પાર્કિંગ: 2 કેસ, એન.સી. હેઠળ દંડ વસૂલાત: 158 કેસ, રૂ. 1,00,600. આ ઉપરાંત પ્રોહીબીશન હેઠળ કુલ 7 કેસ નોંધાયા છે, જેમાં દારૂ વેચાણ અથવા કબજાના 6 કેસોમાં રૂ. 6400 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે તેમજ 1 દારૂ પીધેલ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

