HomeGujaratCSIR-CGCRI સાથે મોરબી અને પંચાળ સિરામિક એસોસિએશનની સંયુક્ત બેઠક યોજાઈ

CSIR-CGCRI સાથે મોરબી અને પંચાળ સિરામિક એસોસિએશનની સંયુક્ત બેઠક યોજાઈ

તા. 15/12/2025ના રોજ મોરબી સિરામિક એસોસિએશન તથા પંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટ, થાનગઢ દ્વારા CSIR-CGCRI, કલકત્તા સાથે સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપરાંત CSIR-CGCRIના વરિષ્ઠ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા અને સિરામિક ઉદ્યોગના સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ટેકનોલોજી, સંશોધન, તાલીમ અને ઉદ્યોગસંબંધિત તકનિકી સહાય અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન ડૉ. મોસમી મજુમદેર, ડૉ. ઇન્દ્રનીલ બિસ્વાસ, ડૉ. અંબરીશ સન્યાલ, મુકેશભાઈ દેલવાડીયા, ડૉ. અમિષ જી. જોશી, કિરીટભાઈ મોખાસણા, શ્રી સ્વચ્છા મજુમદાર, પ્રો. બિક્રમજીત બાસુ (ડિરેક્ટર – CSIR-CGCRI), અશ્વિનભાઈ મારુ, જીનલ મારુ, હરેશભાઈ બોપાલીયા, ડૉ. પરાગ એમ. સોલંકી, સંદીપભાઈ કુંડારીયા, કેવલભાઈ સાંઘાણી તથા જીજ્ઞેશભાઈ કામારિયા ઉપસ્થિત રહ્યા હતા.

વિશેષ ઉલ્લેખનીય છે કે, વર્ષ 1940માં કલકત્તા ખાતે CSIR (કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ) તથા CGCRI (સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)ની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયગાળામાં કલકત્તા ખાણખનીજ, ગ્લાસ અને સિરામિક ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર હોવાથી આ સંસ્થાનો આરંભ ત્યાં થયો હતો. હાલ આ સંસ્થાના ચેરમેન તરીકે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાર્યરત છે. સિરામિક ક્લસ્ટરને ટેકનિકલ સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી વર્ષ 1977માં ગુજરાતના નરોડા ખાતે CSIR-CGCRI સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી, જે આસપાસના નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેકનિકલ માર્ગદર્શન આપે છે.

CSIR-CGCRIના મુખ્ય ઉદ્દેશોમાં સ્થાનિક સિરામિક કાચા માલનું મૂલ્યાંકન અને તેનો ઉપયોગ, પરીક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, પરંપરાગત સફેદ માટીના વાસણોના સિરામિક્સનો વિકાસ, પ્રાયોજિત સંશોધન તથા ટેકનોલોજી ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. ઉપરાંત ગુણવત્તા સુધારણા, ઉત્પાદકતા વધારવા, ખર્ચ ઘટાડવા, આયાત અવેજી અને નિકાસ પ્રોત્સાહન માટે ઉદ્યોગોને તકનિકી સહાય આપવામાં આવે છે. માનવશક્તિ વિકાસ માટે તાલીમ, ઉદ્યોગ સલાહ સેવાઓ, ગ્રામીણ માટીકામમાં સુધારણા અને ઉત્પાદન શ્રેણીમાં વૈવિધ્ય લાવવા માટે પણ સંસ્થા કાર્યરત છે. ટાઈલ્સ, સેનિટરીવેર સહિત પરંપરાગત સિરામિક ઉત્પાદનોની ગુણવત્તા સુધારણા તેમજ નેનો ટેકનોલોજીના ઉપયોગ અંગે ભવિષ્યલક્ષી સંશોધન પણ કરવામાં આવે છે.

CGCRI નરોડા સેન્ટર ટાઈલ્સ, સેનિટરીવેર, ટેબલવેર, ઇન્સ્યુલેટર, રિફ્રેક્ટરીઝ, ભઠ્ઠી ફર્નિચર તથા માટી પ્રોસેસિંગ જેવા સંલગ્ન ઉદ્યોગોને ટેકનિકલ સમસ્યાઓના ઉકેલ, પ્રક્રિયા સુધારણા, અસ્વીકાર નિયંત્રણ, ગુણવત્તા સુધારણા અને કચરાના ઉપયોગ અંગે નિષ્ણાત સેવાઓ પ્રદાન કરે છે.

બેઠક દરમિયાન ખાસ કરીને વિશ્વવિખ્યાત મોરબી સિરામિક ઉદ્યોગ, જે દેશના અંદાજે 90 ટકા સિરામિક ઉત્પાદન સાથે વિશ્વમાં બીજા ક્રમે છે, ત્યાં CGCRI જેવી સંશોધન અને તાલીમ સંસ્થાની અછત હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. મોરબી ખાતે CGCRIની પેટા શાખા સ્થાપવાની માંગ એસોસિએશન દ્વારા ભારપૂર્વક રજૂ કરવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે ચીન સાથે સ્પર્ધા કરી રહેલા સિરામિક ઉદ્યોગ માટે સ્કીલ ડેવલપમેન્ટ, રિસર્ચ અને ટ્રેનિંગ માટે આવી સંસ્થા સમયની માંગ હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

આ ચર્ચાના અંતે CSIR-CGCRIના ડિરેક્ટર પ્રો. બિક્રમજીત બાસુએ મોરબીમાં પ્રાથમિક ધોરણે આવી સંસ્થા શરૂ કરવા માટે પ્રયત્નો કરવાનું આશ્વાસન આપ્યું હતું. શરૂઆતના તબક્કે મોરબી ખાતે લેબ ટેસ્ટિંગ માટેના સાધનો ફાળવવા કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે તેવી માહિતી પણ તેમણે આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW