શ્રમદાન ફોર મોરબી અંતર્ગત નવલખી રોડ પર રેલવે ફાટકથી લઈને હાઇવે સુધીના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં રોડની બંને બાજુની સફાઈ કરવામાં આવી હતી અને યંગ ઇન્ડિયા ગ્રુપ, આ વિસ્તારના નાગરિકો અને બાળકો સહિત 100થી વધુ લોકોએ સફાઈ કરી હતી.
જેમાં અંદાજિત 30 ટન જેટલા કચરાનો નિકાલ કર્યાનો કમિશનરે દાવા કર્યો હતો અને કમિશનર સ્વપ્નિલ ખરેએ કહ્યું હતું કે, રોડ ઉપર જામેલી ધૂળને દૂર કરવા સફાઈ કર્મીઓને બ્રશ અને સૂપડા આપ્યા હોય તેથી તેઓ ડસ્ટને સાફ કરીને હેન્ડકાર્ટ દ્વારા સીધો ટ્રેક્ટરમાં નિકાલ કરી શકે.”શ્રમદાન ફોર મોરબી” કાર્યક્રમ હવે દર બે અઠવાડિયે યોજાશે અને શ્રમદાન મોરબી હેઠળ હવે મોરબી સ્વચ્છ અને સુઘડ બનશે તેવું તેમણે જણાવ્યું હતું.કમિશનરે એવો દાવો કર્યો હતો કે,ડસ્ટબિન્સ ખરીદી કરીને વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવી છે. લાલબાગની દીવાલ નજીક ચાલુ કરાયેલા હોકર ઝોન સહિત તમામ હોકર ઝોનમાં પણ ડસ્ટબિન મૂકવામાં આવી છે. પણ હકીકતમાં પરિસ્થિતિ અલગ છે. જેમાં 100 જેટલા વાડી વિસ્તારો, સોઓરડી, માળીયા વનાળિયા, કાલિકાપ્લોટ, લાયન્સનગર, વીસીપરા, રોહિદાસપરા, જેવા અનેક વિસ્તારોમાં ડસ્ટબિન નથી તેમજ સફાઈ કર્મીઓ સફાઈ કરવામાં પણ ઉદાસીનતા દાખવે છે. જ્યારે આઈકોનીક ગણાતા વાવડી રોડ ઉપર કચરા પેટી મૂકી હતી.પણ કચરો છલકાઈ રહ્યો હોય છતાં કોઈ ઉપાડવામાં આવતું નથી. આ રીતે મોરબીમાં સફાઈના અભાવે સ્થિતિ ઘણી જ ગંભીર છે.

