ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી જેમાં અંદાજીત 25 લોકોના મોત થયા હોવાનું અને 6 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આગ રાત્રે લગભગ 12 વાગ્યે લાગી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 4 પ્રવાસી અને 14 ક્લબના સ્ટાફનો સમાવેશ થાય છે, જ્યારે 7 લોકોની ઓળખ હજુ થઈ શકી નથી
બનાવ બાદ ગોવા પોલીસે ક્લબના મેનેજરની ધરપકડ કરી હતી . પોલીસના જણાવ્યા અનુસાર, રાત્રે 12 વાગ્યાની આસપાસ સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે થોડીવારમાં જ આખા ક્લબમાં આગ લાગી ગઈ. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો.
ઘટનાની જાણ થતાં જ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક ધારાસભ્ય માઈકલ લોબો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે ત્રણ લોકોના મોત દાઝી જવાથી અને બાકીના લોકોના મોત શ્વાસ રૂંધાવાથી થયા છે. આ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
હાલમાં, પ્રારંભિક માહિતી અનુસાર, નાઈટ ક્લબે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કર્યું ન હતું. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ દ્વારા ક્લબમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ હાજર છે. ફોરેન્સિક (FSL) ટીમ આગ લાગવાનું સાચું કારણ તપાસશે.

