HomeGujaratવાંકાનેરના મહિકા ગામે ત્રણ ભાઈઓના ઝેરી દવા પીવા મામલે સરપંચના ભાઈ સહીત...

વાંકાનેરના મહિકા ગામે ત્રણ ભાઈઓના ઝેરી દવા પીવા મામલે સરપંચના ભાઈ સહીત પાંચ લોકો સામે ફરિયાદ

વાંકાનેરના મહિકા ગામે નદીના કાંઠે આવેલી વાડીમાં ખનીજ લીઝના વિવાદને કારણે ત્રણ પિતરાઈ ભાઈઓએ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનામાં એક યુવાન યસનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં ગામના મહિલા સરપંચના ભાઈ અને લીઝ ધારકનો સમાવેશ થાય છે.

મહિકા ગામના રહેવાસી વિનોદભાઈ ધરમશીભાઈ બાંભણીયા (ઉંમર 53)એ આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે સમઢીયાળાના ગોબરભાઈ ભરવાડ, કોઠીના વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા અને તેમના પુત્ર ભરત, મહિકાના હનીફભાઈ (મહિલા સરપંચના ભાઈ) અને લીઝ ધારક હેમેશભાઈ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ, ગત 19 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યાના અરસામાં ફરિયાદીના પુત્રો કલ્પેશ અને વિશાલ તથા ભાઈનો પુત્ર યસ તેમની મહિકા ગામની નદી કાંઠે આવેલી વાડીએ હતા. હેમેશભાઈ પટેલને મહિકા ગામની નદીના કાંઠે ખનીજ લીઝ મંજૂર થયેલી છે, જે બાબતે અગાઉથી મનદુખ ચાલતું હતું. તે દિવસે ગોબરભાઈ ભરવાડ લોડર અને અલ્ટો ગાડી લઈને વાડી પાસેથી પસાર થઈ રહ્યા હતા.

ફરિયાદીના પુત્રો કલ્પેશ, વિશાલ અને યસે તેમને ખેતર વચ્ચેથી વાહન ન ચલાવવા જણાવ્યું હતું. આ બાબતે ઉશ્કેરાઈને ગોબરભાઈએ ત્રણેય યુવાનો સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. તેમણે કલ્પેશ અને યસને ઢીકાપાટુનો માર મારી શરીરે ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ ઘટના બાદ ગોબરભાઈ, વિઠ્ઠલભાઈ અને તેમના પુત્ર ભરત હાથમાં લાકડાના ધોકા લઈને ત્યાં આવ્યા હતા. ત્રણેય યુવાનોને લાગ્યું કે તેમને મારી નાખવામાં આવશે, જેથી ડરના માર્યા તેમણે વાડીમાં પડેલી ખેતીમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ફરિયાદીના ભાઈના પુત્ર યસનું રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનોની સારવાર ચાલી રહી છે.

ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે, આ ઘટનાના આશરે પંદરેક દિવસ પહેલા પણ ગામના મહિલા સરપંચના ભાઈ હનીફભાઈ અને લીઝ ધારક હેમેશભાઈ પટેલ તેમની વાડીએ આવ્યા હતા. ત્યારે તેમણે જમીન ખાલી કરી નાખવા અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આધેડ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW