HomeGujaratપંચમહાલ (ગોધરા)ના રહેણાંક મકાનમાં આગ લાગી, એક જ પરિવારના 4નાં મોત

પંચમહાલ (ગોધરા)ના રહેણાંક મકાનમાં આગ લાગી, એક જ પરિવારના 4નાં મોત

પંચમહાલ (ગોધરા)ના બામરોલી રોડ પર અંકુર સોસાયટીની બાજુમાં આવેલા ગંગોત્રી નગર (સેતુ ક્લબ પાસે)માં રહેતો અને શહેરમાં જાણીતા ‘વર્ધમાન જ્વેલર્સ’ના વ્યવસાય સાથે સંકળાયેલો કમલભાઈ દોશીનો પરિવાર આજે ભારે ઉત્સાહમાં હતો. આજે સવારે જ તેમના 24 વર્ષીય પુત્ર દેવ દોશીની સગાઈ માટે આખો પરિવાર હરખભેર વાપી જવા રવાના થવાનો હતો.

ગઈકાલે રાત્રે પિતા કમલભાઈ દોશી (ઉ.વ. 50), માતા દેવલબેન દોશી (ઉ.વ. 45) અને તેમના બે આશાસ્પદ યુવાન પુત્ર દેવ (ઉ.વ. 24) અને રાજ (ઉ.વ. 22) આવતીકાલના શુભ પ્રસંગની ચર્ચા કરતા અને હસી-મજાક કરતા સુતા હતા. તેમને ક્યાં ખબર હતી કે તે રાત તેમની છેલ્લી રાત સાબિત થવાની છે.

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે કે વહેલી સવારે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી. દુર્ઘટનાનું સૌથી કરુણ પાસું એ રહ્યું કે, ઘર ચારે તરફ કાચથી સંપૂર્ણપણે પેક હતું. જેના કારણે આગમાંથી પેદા થયેલો ઝેરી ધુમાડો બહાર નીકળી શક્યો નહીં અને સમગ્ર ઘરમાં ભરાઈ ગયો. ગાઢ નિદ્રામાં સૂતેલા પરિવારને જાગવાની કે બચવાની જરા પણ તક મળી ન શકી અને ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી ચારેય સભ્યના ઘટનાસ્થળે જ ગૂંગળાઈને કરૂણ મોત નિપજ્યાં.

સવારે જ્યારે આસપાસના લોકોને ઘટનાની જાણ થઈ અને ફાયર વિભાગને બોલાવાયું, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ અંદર ગયેલા તમામ સભ્યના મૃતદેહ જ બહાર કાઢી શકાયા. આજે જે ઘરમાંથી દીકરાએ વરરાજા બનીને સગાઈ માટે નીકળવાનું હતું, તે જ ઘરમાંથી એકસાથે ચાર-ચાર અર્થી નીકળતાં જોઇને પથ્થર દિલ માણસ પણ રડી પડ્યા હતા. આ બનાવના કારણે માત્ર ગંગોત્રી નગર જ નહીં, પરંતુ સમગ્ર વેપારી આલમમાં ઘેરો શોક છવાઈ ગયો છે. વાપીમાં જ્યાં સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યાં વેવાઈ પક્ષ પર પણ આ સમાચાર વજ્રઘાત સમાન સાબિત થયા છે.

આ કરુણ દુર્ઘટનામાં કમલભાઈ દોશી (ઉ.વ. 50) – પિતા અને જ્વેલર્સના માલિક, દેવલબેન દોશી (ઉ.વ. 45) – માતા, દેવ કમલભાઈ દોશી (ઉ.વ. 24) – જેની સગાઈ હતી તે યુવાન પુત્ર અને રાજ કમલભાઈ દોશી (ઉ.વ. 22) – નાનો પુત્ર એમ ચાર સભ્યનું મોત થયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW