મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં માવઠાને કારણે પાકોમાં વ્યાપક નુકસાન થવાથી ખેડૂતોને વળતર આપવા સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હોય પણ સહાય મેળવવા માટે 7/12 અને 8-અ જેવા ડોક્યુમેન્ટ જરૂરી હોવાથી મોરબી તાલુકાના ખેડૂતો આ દાખલા કઢાવવા માટે ઇ-ધરા તાલુકા મામલતદાર કચેરીએ મોટા પ્રમાણમાં ધસારો કરી રહ્યા છે.પણ આ દાખલા કઢાવવામાં ખેડૂતોને ભારે હાડમારી વેઠવી પડે છે.શહેરમાં આવેલી મામલતદાર કચેરીએ દસ્તાવેજો કઢાવવા ગ્રામ્ય વિસ્તારોમાંથી બીજા બધા કામો પડતા મૂકી ખેડૂતો વહેલી સવારથી જ આવી જાય છે અને લાંબી લાઈનમાં જોડાય જાય છે.
ખેડૂતો આખો દિવસ લાઈનમાં ઉભા રહે છે. છતાં આ દાખલા નીકળતા નથી. જ્યારથી સહાયના ફોર્મ ભરવાનું શરૂ થયું છે ત્યારથી જ ટેક્નિકલ ખામી થવાથી સર્વર ડાઉન થઈ ગયું છે.
સતત બે દિવસથી સર્વર ડાઉન છે.તેથી ખેડૂતોની પરેશાની વધી છે. ખેડૂતોની કપરી પરિસ્થિતિ એવી છે કે, પહેલા તો ટેકાના ભાવે મગફળી વેચવા માટે લાઈનમાં ઉભા રહેવું પડતું હતું.
પરંતુ હવે પાકની નુકશાનીની સહાય મેળવવા જરૂરી દાખલા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં સર્વર ડાઉન હોવાથી સમયસર કામ ન થતા નિરાશ થઈને વીલા મોઢે પરત જવું પડે છે. એટલે ખેડૂતોને ધક્કે પે ધક્કા ખાવા પડી રહ્યા છે.મોરબીના જોધપર ગામના ખેડૂત રમેશભાઇએ ઉકળાટ ઠાલવતાં જણાવ્યું હતું કે મામલતદાર કચેરીમાં હાલ સહાય માટે મહત્વના ડોક્યુમેન્ટ 7/12 અને 8-અ કઢાવવા માટે ખેડૂતોની ભારે લાઇન લાગે છે.
આ દાખલા કઢાવવા મામલતદાર કચેરીમાં સવારથી લાઈનમાં ઉભા છીએ. પણ ક્યારે વારો આવશે અને ક્યારે દાખલા નીકળે એ નક્કી નથી. કારણ કે સર્વર ડાઉન હોવાથી આ મુશ્કેલી સર્જાઈ છે. મારા જેવા કેટલાય બુઝુર્ગ ખેડૂતો લાઈનમાં ઉભા છે. પણ આજે આખો દિવસ લાઈનમાં ઉભા રહ્યા બાદ વારો ન આવે તો બીજા દિવસે ધક્કો ખાવાની નોબત આવે છે.
મોટાભાગે તો સર્વર ડાઉન જ રહે છે.પણ ક્યારેક સર્વર ખૂબ જ ધીમું ચાલતું હોય થોડાક ખેડૂતોનો તો વારો આવે છે. આ મુશ્કેલી તંત્ર અને સરકાર વ્હેલાસર દૂર કરે તો સારું. એક તો ખેતીમાં ધ્યાન આપી શકાતું નથી અને બીજી તરફ સહાય પણ ક્યારે મળશે એ નક્કી નથી.

