HomeGujaratખંભાતમાં ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા બે કર્મચારીઓના મોત

ખંભાતમાં ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા બે કર્મચારીઓના મોત

આણંદના ખંભાતના સોખડા સ્થિત એકતા ફ્રેશફૂડ કંપનીમાં ઝેરી ગેસની અસરથી 2 શ્રમિકોના મોત થયાં છે. જ્યારે અન્ય 2 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ખંભાતના સોખડામાં એકતા ફ્રેશફૂડ કંપની આવેલી છે. આ કંપનીમાં કામ કરતાં બે શ્રમિકો ETP (એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ટાંકીની સફાઈ કરવા ઉતર્યાં હતાં. જે દરમિયાન ઝેરી ગેસના ગળતરને કારણે બે શ્રમિકોના મૃત્યુ થયા છે.

દુર્ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી માટે ગયેલા અન્ય બે શ્રમિકો પણ ઝેરી ગેસની ઝપેટમાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર હોવાથી તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતક શ્રમિકોના પરિવારજએ કાર્ડિયાક કેર હોસ્પિટલ બહાર આક્રંદ કર્યું છે. આ અંગે મૃતકના સગા ધરમેન્દ્રભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારો છોકરો એકતા કંપનીમાં નોકરીએ જતો હતો, એ જે કામ કરતો હતો એની જગ્યાએ એને ગટરના કામમાં નાખ્યો અને અમારા છોકરાનો જીવ ગયો. અમને એકતા કંપનીવાળા સરખો જવાબ નથી આપતા, અમારે ન્યાય જોઇએ.

આ અંગે એકતા કંપનીના ઇજાગ્રસ્ત મજૂર રમેશભાઇ ભોઇએ જણાવ્યું કે, સાફ સફાઇ કરવા માટે એક માણસ ઉતર્યો હતો, જેને શ્વાસ લેવામાં તકલીફ પડતાં બેભાન થઇ ગયો હતો. જેને બચાવવા હું પણ ઉતર્યો હતો. સાફ સફાઇના સેફ્ટીના સાધનો અંગે રમેશભાઇએ જણાવ્યું કે, કોઇક વાર જ સાફ સફાઈ કરવાની હોય એટલે કોઇ સાધનો નથી. મોટાભાગે સાફ સફાઇ કરવા માટે બહારથી માણસો આવતા હોય છે.

આ અંગે ડોક્ટરે જણાવ્યું હતું કે, સવારે સાડા નવ વાગ્યે પીટીપીની ટાંકી બ્લોક થતાં 27 વર્ષીય કિશન બારૈયા બ્લોક ખોલવા અંદર ઉતર્યા હતા, જેમને ઝેરી ગેસની અસર થતાં તેઓ બેભાન થયા હતા. જેમને બચાવવા 63 વર્ષીય અરવિંદ બાબુભાઇ ટાંકીમાં ઉતર્યા હતા, જેમને પણ ઝેરી ગેસની અસર થતાં તેઓ ટાંકીમાં બેસી ગયા બાદ બેભાન થયા હતા. આ બાદ 39 વર્ષીય રમેશભાઇ ભોઇ ટાંકીમાં ઉતર્યા હતા પણ તેઓ બહાર આવી ગયા હતા. જે બાદ કિશન પઢિયાર ટાંકીમાં ઉતર્યા હતા તેમને ઝેરી ગેસની અસર થતાં તેઓને બીજા મજુરોએ બહાર કાઢ્યા હતા.

આ અંગે એકતા કંપનીના ડિરેક્ટર જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, કંપનીના પીટીપીના એક ટાંકામાં બ્લોક થઇ જતાં કિશનભાઇ ઉતર્યા હતા, એ બેહોશ થતાં તેમને બચાવવા જતાં અરવિંદભાઇ ગયા હતા. જે બંનેને મોત થયા છે. બાકીના ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સેફ્ટીના સાધનો અંગે જીગ્નેશ પટેલે જણાવ્યું કે, કંપની તરફથી સેફ્ટીના સાધનો નહોતા કારણ કે બ્લોક હતું એના માટે ગયા હતા, આ કોઇ કેમિકલનો ગેસ નથી, પાણીના ટાંકીનો ગેસ હશે. આ વિષે વધુ માહિતી મને નથી. બે લોકોના મોત થયા એ દુ:ખની વાત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW