મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરી શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસે માથું ઊંચક્યું છે. ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લામાં “સેન્ડફ્લાય” માખીથી થતા રોગચાળાએ હાહાકાર મચાવી મૂક્યો છે.
આ શંકાસ્પદ “સેન્ડફ્લાય” માખીથી બીમારીનો ભોગ બનેલા દાહોદના એક વર્ષના બાળકનું આજે સયાજી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ બાળકમાંથી બેને PICમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે એકની તબિયત સુધારા પર આવતાં જનરલ વોર્ડમાં સિફ્ટ કરવામાં આવ્યું છે.
ગઈકાલે વડોદરાની સયાજી હોસ્પિટલમાં પંચમહાલ જિલ્લાના 3 બાળકનાં મોત થવાની ઘટના બની હતા. આ બાળકોનાં મોત એક્યૂટ વાઇરલ એન્સેફાલિટિસ (Acute viral encephalitis )ના કારણે થયાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. આ વાઇરસના કારણે તીવ્ર તાવ આવવાથી મગજમાં સોજા આવે છે. આ તમામ દર્દીઓને વડોદરાની સયાજી જનરલ હોસ્પિટલ-SSGમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં ‘સેન્ડફ્લાય’ માખીથી ફેલાતા ચાંદીપુરા વાઇરસની શક્યતા દર્શાવવામાં આવી હતી, પરંતુ 4 કેસની તપાસમાં ત્રણના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
ગઈકાલે મૃત્યુ પામેલાં બાળકોની વિગત
- ગોધરા તાલુકાના ખજુરી ગામના 3 વર્ષના બાળકનું મોત
- શહેરા તાલુકાના ડોકવાના 8 વર્ષના બાળકનું મોત
- હાલોલ તાલુકાના જાંબુડીના 3 વર્ષનો બાળકનું મોત
સયાજીમાં સારવાર હેઠળ રહેલું બાળક
- ગોધરા તાલુકાના બેટિયાની 8 વર્ષની બાળકી
સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ ડો. ઓમપ્રકાશ શુક્લએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસ દરમિયાન પંચમહાલ અને દાહોદ જિલ્લાના ચાર બાળકને સારવાર માટે પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ ચાર બાળકો પૈકી એક વર્ષના દાહોદના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે 3 બાળકને હાલ સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના PICમાં સારવાર આપવામાં આવી રહી છે.