મોરબી શહેરના નઝરબાગ રેલ્વે સ્ટેશનથી રફાળેશ્વરને જોડતા જુના રફાળેશ્વર તરફ જોડતા એક રોડમાં સોમવારે સવારે રીપેરીંગ કામના નામે ચાલતું ડીંડક સામે આવ્યું હતું. આ રોડ ત્રણ વર્ષ પહેલા નવો બન્યો હતો. જોકે ત્રણ વર્ષના ગાળામાં રોડની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે, તેમાં મસમોટા ખાડા પડી ગયા છે અને આ ખાડા જીવલેણ બન્યા છે સ્થાનિક લોકોની રજૂઆત બાદ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા આ રોડ ગેરેંટી પીરીયડમાં હોવાથી રીપેરીંગ કરવા નોટીસ આપતા એજન્સીએ રીપેરીંગ કામગીરી શરુ કરી હતી. જોકે એજન્સીએ જાણે બુદ્ધિ નું દેવાળું ફૂકયું હોય તેમ ગત રાત્રીના હજુ વરસાદ થયો હોવાથી તેમાં વરસાદી પાણી ભરાયેલા હોવા છતાં પાણી દુર કર્યા વિના તેમાં ડામર પાથરવાનું શરુ કરી દીધું હતું. આ અંગેની જાણ આસપાસ પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોને થતા તાત્કાલિક સ્થળ પર દોડી જઈ તેનો વિડીયો બનાવી લીધો હતો અને તંત્રને જાણ કરતા માર્ગ મકાન વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે કામગીરી અટકાવી દીધી હતી.
થોડા મહિના પહેલા જ મોરબી જિલ્લામાં સીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી આવ્યા હતા. ત્યારે મોરબીના અધિકારીઓ અને પદાધિકારીઓને તમામ કામ ગુણવતા વાળા કરવા જેથી એકના એક કામ માટે ગાંધીનગર ધક્કા ન થાય તેવી સલાહ આપી ગયા હતા. જોકે આ સલાહ જાણે અન્ય જિલ્લા માટે આપી હોય તેમ મોરબી ના મોટા ભાગના તંત્રમાં કશો ફેર પડ્યો હોય તેવું લાગતું નથી તે આ કામગીરી જોતા લાગી રહ્યું છે.
મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં રસ્તાઓની સ્થિતિ ખરાબ છે. લોકોને વર્ષના આઠ મહિના સુધી આ ખરાબ રસ્તાઓનો સામનો કરવો પડે છે. તંત્ર મોટેભાગે ચોમાસાની શરૂઆતમાં જ ખાડા પૂરવાનું કામ કરે છે. આ પ્રકારની કામગીરીથી રસ્તાની ગુણવત્તા અને મજબૂતાઈ અંગે પ્રશ્નો ઉભા થયા છે. તંત્રની આવી બિનવ્યવસાયિક કાર્યપદ્ધતિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અધિકારીઓની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
એજન્સીને અગાઉ નોટીસ આપી રીપેર કરવા સુચના આપી હતી, હાલ કામગીરી અટકાવી છે. જુના રફાળેશ્વર તરીકે જાણીતા આ રોડનું કામ બનાસ કાંઠાની સરસ્વતી કન્સ્ટ્રકશન કંપનીએ 5 કરોડના ખર્ચે વર્ષ 2022 માં બનાવ્યો હતો. હાલ ગેરેંટી પીરીયડમાં આ રોડ હોવાથી તેને રીપેરીંગ માટે બે વખત નોટીસ આપી રીપેર કરવા જણાવાયું હતું. આ અંગેની ફરિયાદ મળતા હાલ કામગીરી અટકાવી દેવાઈ છે અને વાતાવરણ ખુલ્લું થાય બાદ યોગ્ય રીતે કામગીરી કરવા સુચના આપી છે તેમ ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર દિવ્યેશ પટેલે જણાવ્યું હતું.

