અમદાવાદની રથયાત્રા ઓડિશાના પુરી પછી આખા દેશમાં નીકળતી બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે.માટે અમદાવાદમાં જગન્નાથ યાત્રાની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે.જે રૂટમાંથી યાત્રા નીકળશે તે રૂટને નવું જ રંગરૂપ આપવામાં આવ્યું છે.જગન્નાથ યાત્રા 27 જૂન અષાઢી બીજના દિવસે નીકળશે.
રથયાત્રા હેરિટેજ રૂટ પર કાઢવા માટે AMCએ મંદિરની બહાર કામ પણ શરૂ કરી દીધું છે. મંદિરની સામે ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાના રથને તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે.હેરીટેજ લુક આપવા માટેની તૈયારીઓ શરુ થઇ ગઈ છે.ક્યાંક પથ્થરો કપાઈ રહ્યા છે.તો ક્યાંક બ્લોક નખાઈ રહ્યા છે.
રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી આવેલા ગ્રેનાઈટ અને કોટા સ્ટોનને કટિંગ કરીને ડિઝાઈન આપવામાં આવી રહી છે. મંદિરની સામે વિશાળ પ્લાઝા બનીને તૈયાર થઈ ગયો છે જ્યાં લોકો વિશાળ સંખ્યામાં ઊભા રહી શકશે.
રૂટ પર ગ્રીનરીનું પણ ધ્યાન રાખવામાં આવશે. બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ આકર્ષણ ઊભું થાય એવા પ્રયાસ કરાઈ રહ્યા છે.
જમાલપુર દરવાજાનું પણ રિડેવલપમેન્ટ મૂળ સ્થિતિ મુજબ કરાશે. જમાલપુર બ્રિજથી પ્રવેશ કરતાં જ પાર્કિગ ઊભું કરાશે. ભક્તો પગપાળા સરળતાથી જઈ શકે એવી વ્યવસ્થા ઊભી કરાશે. ભવિષ્યમાં જળયાત્રા રૂટ ડેવલપ કરાશે. રિવરફ્રન્ટ સોમનાથ ભુદ્રના આરા પાસે વિશાળ પાર્કિગ ઊભું કરાશે.તેમજ રથયાત્રા દરમિયાન પોલીસ કર્મી અને અધિકારીઓ સુરક્ષાના ભાગ રૂપે ખડેપગે હશે.

