મોરબી LCB પોલીસને મળેલી બાતમીના આધારે ત્રાજપર ચોકડી નજીક સર્વિસ રોડ પરથી શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિને બાઇક સાથે પકડ્યો હતો. પોલીસે પોકેટ કોપ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા તપાસ કરતા બાઇક નંબર GJ-3-JB-9463ના માલિક જયેશભાઈ સામતભાઈ ગુજરાતી રહે. મોટા ઉમવડા, ગોંડલ હોવાનું જાણવા મળ્યું. આરોપી પાસે બાઇકના કોઈ દસ્તાવેજો ન મળતા તપાસ કરતા આ બાઇક ગોંડલ સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનું હોવાનું બહાર આવ્યું.
પોલીસે અજયભાઇ સુરાભાઈ વાધેલા રહે. કુડલા, મૂળ ગઢડા-બોટાદવાળાને પકડી પાડ્યો છે. આરોપી સામે અગાઉ પાંચ ગુના નોંધાયેલા છે. પોલીસે 20 હજાર રૂપિયાની કિંમતનું બાઇક કબજે કર્યું છે. આ કેસમાં બીજો આરોપી વિપુલભાઇ છગનભાઇ સાંઢમીયા રહે. ધેલા સોમનાથ, જસદણ હજુ ફરાર છે. પોલીસે આરોપીને મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે અને ફરાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

