વાંકાનેરના ઢૂવા ગામ નજીક મહાનદીમાં સ્નાન દરમિયાન એક દુःખદ ઘટના સામે આવી છે. રાજસ્થાનથી મેળામાં વેપાર કરવા આવેલા પરિવારના બે સભ્યોનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટના ગુરુવારે બપોરના સમયે બની હતી. મોરબીના રફાળેશ્વર ગામમાં શિવરાત્રિના મેળામાં વસ્તુઓ વેચવા આવેલા રાજસ્થાની પરિવારના સભ્યો મહાનદીમાં સ્નાન કરી રહ્યા હતા. આ દરમિયાન 18 વર્ષીય માયાબેન રતનભાઈ વણઝારા અચાનક પાણીમાં ડૂબવા લાગ્યા. માયાબેનને બચાવવા માટે તેમના 23 વર્ષીય બનેવી મુરારીભાઈ કલ્યાણભાઈ વણઝારા પાણીમાં કૂદ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ બંને જણા ડૂબી ગયા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

