ગીર સોમનાથના ઉના તાલુકાના વાંસોજ ગામની સરકારી પ્રાથમિક શાળામાં આજે બપોરે 12:30 વાગ્યે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. શાળાની લોબીમાં સામૂહિક પ્રાર્થના દરમિયાન અચાનક છત પરથી મોટું પોપડું તૂટી પડતાં 7 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ, ઉનાની વાંસોજ ગામની સરકારી પ્રાથમિક શાળામાં અચાનક છત પરથી મોટું પોપડું તૂટી પડ્યું હતું. આ ઘટનામાં સોલંકી હિતેશ બાબુભાઈ, ચારણીયા હર્ષિલ કમલેશભાઈ, જેઠવા જયદીપ રાજેશભાઈ અને વાઢેર સુધાંશુ અરજણભાઈને સામાન્ય ઈજાઓ થઈ હતી. જ્યારે ક્રિશ બાલુ વાજાને 3 ટાંકા, જયદીપ બાલુ સોલંકીને 6 ટાંકા અને અશ્વિન ભાણા સોલંકીને 7 ટાંકા આવ્યા હતા. તમામ ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉના સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય અરવિંદ સોલંકીએ જણાવ્યું હતું કે, શાળાનું રિનોવેશનનું કામ છેલ્લા ઘણા સમયથી અતિ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ દુર્ઘટનાના પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની ટીમ તાત્કાલિક વાંસોજ ગામે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.