સામુહિક દુષ્કર્મના ગુનામાં છેલ્લા 9 વર્ષથી અલગ-અલગ જીલ્લાની જેલમાં કાચા કામના કેદી નો બાબુ દેવા કનારા નો જેલમાં જ દારૂ પીતો વિડીયો વાયરલ થયો હતો. હાલ આ કેદી મોરબી જેલમાં હોવાથી વિડીયો મોરબીમાં હોવાનો દાવો થતા મોરબી જીલ્લા પોલીસ અને જેલ તંત્ર દોડતું થયું અને ચેકિંગ હાથ ધર્યું હતું. હાલ પોલીસ અને જેલ પ્રશાસન ભલે પોતાની જેલનો વિડીયો ન હોવાનો દાવો કરે પરંતુ, મોરબી જેલની સ્થિતિ કોઈના થી છુપે તેવી નથી અગાઉ ચેકિંગ વખતે 40 માવા મળી આવતા જેલ અધિક્ષકની બદલી પણ થઇ હતી.
ત્યારે ખરેખર મોરબી જેલની સ્થિતિ આટલી કથળી છે તેવા સવાલ થવા વ્યાજબી છે.
મોરબી જિલ્લો બન્યાને 10 વર્ષ કરતા પણ વધારે સમય થવા છતાં મોરબીની તાલુકા કક્ષાની જેલ જેટલી ક્ષમતા છે. જેલમાં ક્ષમતા માત્ર 170 કેદીઓની જ છે જેની સામે હાલ 320 કેદીઓ બંધ છે અને બાંધકામ પણ જુનું હોય હજુ આટલું ઓછું હોય તેમ હાલ જેલના મંજુર થયેલા 38 મહેકમ સામે 25 કર્મચારી ફરજ બજાવે છે. ખાસ કરીને જેલ ડોક્ટર ફાર્મસીસ્ટની જગ્યા પણ ખાલી છે તો જેલમાં સિપાહીની પણ જગ્યા ખાલી હોય જેથી કર્મચારી પર કામનું ભારણ વધારે રહે છે. જેલમાં બંધ 13 કેદી સામે 1 સિપાહીની દેખરેખની જવાબદારી આવી છે. આવી સ્થિતિમાં જેલમાં બંધ દરેક કેદી પર નજર રાખવી પડકાર જનક કામ બની ગયું છે. ત્યારે જેલ પ્રશાસન આ અંગેની ગંભીરતાને ધ્યાને લઇ જેલ વિભાગ અને રાજ્ય સરકારના ગૃહ વિભાગ આં અંગે સતર્કતા દાખવી ખાલી જગ્યા તાત્કાલિક ભરે એ જરૂરી છે.
જેલનો વિડીયો વાયરલ થયા બાદ જેલ વિભાગ ના આઈજી સ્કોવડે પણ ચેકિંગ કર્યું, જેલના કેદીનો વિડીયો વાયરલ થયા બાદ મોરબી પોલીસે ત્રણ કલાક સુધી ચેકિંગ કર્યું હતું. જે બાદ બીજી તરફ રાત્રીના સમયે જેલ વિભાગનાં આઈજીની ટીમ દ્વારા પણ ઓચિતું ચેકીગ હાથ ધર્યું હતું. જેલની જગ્યા અને ક્ષમતા મુદે વડી કચેરીમાં રીપોર્ટ કરાયો છે.
મોરબી જેલની ક્ષમતા અને કેદીની સંખ્યા તેમજ ફરજ બજાવતા સ્ટાફ બાબતે આમારા દ્વારા સમયાંતરે જરૂરી રીપોર્ટ કરવામાં આવતો હોય છે. બીજું ગઈકાલની ઘટનાને લઇ પોલીસ દ્વારા ત્રણ કલાક સુધી તપાસ કરી હતી હવે તેમના તરફથી જે અહેવાલ આવશે તેના આધારે અમારો રીપોર્ટ વડી કચેરીમાં મોકલવામાં આવશે તેમ જેલ અધિક્ષક એ એચ બાબરિયાએ જણાવ્યું હતું

