હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે બે દિવસ બાદ દશેરા પર્વની લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરશે. દશેરા પર્વમાં લોકો જલેબી ફાફડા ફરસાણ માવાની મીઠાઈઓ તેમજ સાટા સહિતની અલગ અલગ મીઠાઈઓની મોટા પ્રમાણમાં ખરીદી કરે છે અને આરોગે છે અચાનક મીઠાઈ અને ફરસાણની ડિમાન્ડ વધી જતાં જાણે મીઠાઈ અને ફરસાણના વેપારીઓ ને જાણે ખુલ્લેઆમ ભેળસેળ યુક્ત મીઠાઈ વેચાણ કરવાનો મોકો મળી ગયો હોય તેમ માવાની મીઠાઈઓ થી લઇ હલકા ડિસ્કો તેલ તરીકે જાણીતા ભેળસેળિયા તેલમાં તળેલા ફરસાણ નું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોય છે. પરિણામે આવા ભેળસેળ યુક્ત મીઠાઈ ખાધા બાદ નાના બાળકો થી લઈ મોટેરાઓમાં ગળુ બેસી જવું, ફૂડ પોઈઝનિંગ સહિતની બીમારી થતી હોય છે. દર વર્ષે ફૂડ વિભાગ તહેવાર દરમિયાન અલગ અલગ સ્થળે સરપ્રાઈઝ ચેકીંગ તો કરે છે પણ તેમ છતાં મોટા પાયે ભેળસેળ યુક્ત મીઠાઈનું વેચાણ થઈ જાય છે. તંત્ર દ્વારા મીઠાઈ , ફરસાણ, તૈયાર માવા, તેલ સહિતની સામગ્રી ના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં પણ આવે છે પરંતુ તેનો રિપોર્ટ આવતા એક થી દોઢ મહિના જેટલો સમય લાગે છે રિપોર્ટ આવ્યા બાદ જો મીઠાઈ કે અન્ય ચીજોના નમુના ફેલ થાય તો દંડ ફટકારી પોતાની જવાબદારી પૂર્ણ કરી છે પણ ત્યાં સુધીમાં આવી મીઠાઇ અનેક લોકોને બીમાર કરી દે છે.
મોરબી જિલ્લામાં હાલ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે જિલ્લા ભરમાં અલગ અલગ સ્થળે ઓચિંતું ચેકીંગ કરી મીઠાઈના નમુના લીધા હતા. જેમાં મીઠાઈ ના 19, મીઠાઈ માં વપરાતા દૂધના10, તેલના 10, અલગ અલગ બેકરી આઈટમ ના14, ડ્રાઈફ્રૂટના 4તેમજ મીડ ડે મિલ માં આપતા ભોજનના 4 મળી કુલ 61 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા જે તપાસ માટે વડોદરા ખાતેની લેબોરેટરી માં મોકલવામાં આવ્યા છે.જોકે હવે આં તમામ 61 નમૂનાના રિપોર્ટ બાદ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવશે.
ડિસ્કો તેલ તરીકે જાણીતા ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી જરૂરી
સામાન્ય રીતે ગાંઠિયા, ફાફડા, સહિતના તેલમાં તળવામાં આવતા ફરસાણ ઉપરાંત પૂરી શાક માં વપરાતા તેલની ગુણવતા બાબતે અનેક વખત ફરિયાદ રહે છે મોટાં ભાગના દુકાનદારો હલકી ગુણવત્તાના તેલનો વપરાશ કરે છે અથવા એક ના એક તેલનો વારંવાર ઉપયોગ કરી તેને બનાવેલ ફરસાણ ધીમું ઝેર બનાવી દે છે ત્યારે તંત્ર તેલની ગુણવતા સતત ચકાસણી કરી અને જે દુકાનદાર આવી નબળી ગુણવતાનું તેલ ઉપયોગ કરે તેની સામે દંડાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહી કરે તો લોકોના આરોગ્ય સાથે થતાં ચેડાં અટકાવી શકાય.
હાલ ફૂડ સેફ્ટી પખવાડિયું અભિયાન અંતર્ગત દરરોજ અલગ અલગ સ્થળે ચેકીંગ અને જાગૃતિ કાર્યક્રમ ચાલુ છે
રાજ્ય સરકારની સૂચનાને પગલે સમગ્ર ગુજરાતમાં ફૂડ સેફ્ટી પખવાડિયું ઉજવણી ચાલી રહી છે અને તેના ભાગરૃપે 3 થી 17 ઓકટોબર સુધી દુકાનોમાં ચકાસણી તેમજ મીઠાઈ અને ખાદ્ય પદાર્થોનું ચેકીંગ અને નમૂના લેવાની કામગીરી ચાલે છે સાથે સાથે સામાન્ય લોકોમાં જાગૃતિ કાર્યક્રમ પણ ચાલી રહ્યા છે. મોરબીના ભેળસેળ યુક્ત મીઠાઈનું વેચાણ ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે તેમજ આવા કામગીરી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મોરબી જિલ્લા ફૂડ ઇન્સ્પેકટર નિતેશ છત્રોલાએ જણાવ્યુ હતું.
હજુ પણ મોટા ભાગના મીઠાઈના બોક્સમાં તારીખ જ નહીં
ભેળસેળ કે વાસી મીઠાઈ નું વેચાણ અટકાવવા કોર્ટે તમામ મીઠાઇ વેપારી જે મીઠાઈ નું વેચાણ કરે તે બોક્સમાં ઉત્પાદન તારીખ તેમજ તેની એકસ્પાયરિ તારીખ લખવા ફરજિયાત કરવા આદેશ આપવા છે અને સરકારને તેની અમલવારી કરાવવવા સૂચના આપી હોવા છતાં મોરબી જિલ્લામાં મોટાભાગના વેપારીઓ મીઠાઈ બોક્સમાં તારીખ લખતા નથી તેઓ જે મીઠાઈ પોતાની દુકાનમાં રાખે છે તે ચોકીઓમાં પણ તારીખ લખવી જરૂરી હોવા છતાં તેની અમલવારી કરતા નથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મીઠાઈ બોક્સમાં તારીખ ન લખતા વેપારીઓને દંડ ફટકારે તો વાસી મીઠાઈ નું વેચાણ અટકાવી શકાય.

