શહેર નજીક આવેલી ખાસ પાલારા જેલમાં કેદ આરોપીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. એક મહિના પહેલા મોરબીની જેલમાંથી અહીં લવાયેલા પોક્સો ગુનાના કાચા કામના કેદીએ જેલના નિયમોનુસાર ફોન પર વાત કર્યા બાદ તરત જ આત્મઘાતી પગલું ભરી લેતા જેલ પ્રસાશન દોડતું થયા બાદ સમગ્ર મામલો બી ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યો છે.
ભુજ-ખાવડા હાઈવે માર્ગ પર આવેલી ખાસ પાલારા જેલમાં કેદ માળીયા મિયાણા તાલુકાના વિદરકા ગામના 22 વર્ષીય કેદી મોહિત ભરતભાઈ સુરેલાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બાબતે તપાસ કરનાર બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ વી.બી.પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હતભાગી કેદી વિરુદ્ધ મોરબીના ટંકારા પોલીસ મથકે પોક્સોની કલમ તળે ગુનો નોધાયો હતો. જે બાદ તેને મોરબી જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. જ્યાંથી ગત 4 ઓગષ્ટના જેલ બહારી થઇ પાલારા જેલમાં દાખલ કરાયો હતો અને છેલ્લા એક મહિનાથી પાલારા જેલમાં કેદ હતો. દરમિયાન સોમવારે જેલના નિયમો મુજબ કેદીઓને ફોન પર વાત કરવા દેવામાં આવતી હતી ત્યારે હતભાગી પણ ફોન કરવા માટે ગયો હતો.પરંતુ ફોન પર વાત કર્યા બાદ પરત જવાને બદલે જેલના સર્કલ 1 માં બેરેક નંબર 9 ની પાસે સાલથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તપાસકર્તાના જણાવ્યા મુજબ માનસિક તણાવમાં આવી જઈ પગલું ભર્યું હશે.જોકે હાલ બી ડીવીઝન પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ઘટના સબંધિત વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે.

