મોરબી શહેરના દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધી પાલિકા દ્વારા રોડ મંજૂર કરવામાં આવ્યો હોય અને તેના ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ થઈ જતાં કામ જે તે એજન્સી ને સોંપાયું છે. આગામી દિવસોમાં રોડનું કામ કરવાનું હોવાથી પાલિકા દ્વારા રસ્તો બનાવવા રોડ પર ખડકાયેલા અડચણ રૂપ ઝુંપડાઓ દૂર કરવાની કામગિરી હાથ ધરવામાં આવી હતી. જેથી આજે પાલિકાની ટીમ જેસીબી અને ટ્રેકટર સહિતના કાફલાએ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને આં સ્થળે ખડકાયેલા 20 ઝુંપડાઓ હટાવ્યા હતા. આ જગ્યાએ આ કાચા ઝૂપડા ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગેટ પાસે 12 જેટલા પાકા દબાણો પણ ખડકાયેલા હોય જોકે તેઓને નોટિસ આપીને બે-ત્રણ દિવસમાં દબાણો દૂર કરી દેવા જણાવ્યું છે.
પાલિકાની આં કામગીરીથી ત્યાં ઝુંપડાઓમાં રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો તેઓએ પાલિકા તંત્ર સામે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર આજે ઝુંપડા પાડી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓના જણાવ્યા મુજબ જાણ વિના આ રીતે ઝૂપડા દૂર કરતા તેમાં રહેલી ઘરવખરી પણ અંદર રહી ગઈ છે. આવાસ યોજના બની ત્યારે તેઓ ત્યાં રહેતા હતા. જે-તે વખતે તેઓને આવાસ ફાળવવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. પરંતુ આવાસ ફાળવવામાં આવ્યા ન હોવાનું લોકોએ આરોપ લગાવ્યો છે.

