ટંકારા અને મોરબી સિવાય અન્ય તાલુકામાં હજુ પણ સારા વરસાદની રાહ,
રાજ્યમાં ચોમાસું સક્રિય બન્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર.પોરબંદર અને જુનાગઢ સહિતના જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા હોય, તેમ ક્યાં એક દિવસમાં ક્યાંક 18 ઇંચ તો ક્યાંક 10થી 12 ઇંચ વરસાદ પડી રહ્યા છે. અનેક જિલ્લામાં વરસાદને કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જોકે આગાહી મુજબ મોરબીમાં હજુ વરસાદ નોધાયો નથી મોટાભાગના તાલુકામાં છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા જ વરસી રહ્યા છે. સમગ્ર જિલ્લા માં દિવસ દરમિયાન વાદળ છાયા વાતાવરણ સાથે ઉકળાટનો અનુભવ થાય છે. દિવસ દરમિયાન હળવા ઝાપટા પણ આ ઉકળાટમાંથી રાહત આપી શકતા ન હોય, જેના કારણે લોકો પણ મેઘરાજા અન્ય જિલ્લામાં તેનું હેત વરસાવે તેવી આશા રાખી રહ્યા છે. મોરબી જિલ્લામાં 22 જૂન સુધીમાં કુલ 1350 મિલી મીટર અને સરેરાશ 270 મીમી વરસાદ નોધાયો છે. મોરબી જિલ્લામાં તાલુકા મુજબ વરસાદની સ્થિતિ જોઈએ તો, આજદિન સુધીમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ ટંકારા તાલુકામાં સૌથી વધુ 486 મીમી, જયારે મોરબીમાં 356 મીમી, હળવદમાં 202 મીમી અને વાંકાનેરમાં 195 મીમી વરસાદ નોધાયો છે તો સૌથી ઓછો ,માળિયામાં 112 મીમી વરસાદ નોધાયો છે.
મોરબી જિલ્લાના 10 ડેમમાં હાલ 27.89 ટકા પાણી
મોરબી જિલ્લામાં નાના મોટા 10 ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 10 ,829 mcft છે જેમાં આજ દિન સુધીમાં 3021 mcft જેટલો જથ્થો ભરાયેલ છે કુલ કેપેસીટીના 27.89 ટકા પાણી ભરાયેલ છે.
| ડેમ નું નામ | કુલ સંગ્રહ ક્ષમતા | જીવંત જથ્થો | હાલની સ્થિતિ | ટકાવારી |
| મચ્છુ 1 | 2345 | 228.52 | 228.52 | 9.54 |
| મચ્છુ 2 | 3104 | 941 | 1076.08 | 34.66 |
| મચ્છુ 3 | 283 | 131.40 | 191.43 | 67.64 |
| ડેમી 1 | 783 | 88.18 | 90.79 | 11.59 |
| ડેમી 2 | 753 | 243.29 | 293.43 | 38.86 |
| ડેમી 3 | 339 | 000 | 11.30 | 3.33 |
| બ્રાહ્મણી 1 | 2060 | 362 | 435 | 21.13 |
| બ્રાહ્મણી 2 | 699 | 354 | 400 | 57.33 |
| ઘોડાધ્રોઈ | 243 | 149 | 197 | 84.20 |
| બંગાવડી | 130 | 97.135 | 103.57 | 80 |
મોરબી જિલ્લા માં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું
સૌરાષ્ટ્રના અલગ અલગ તાલુકામાં પડી રહેલા ભારે થી અતિ ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઇ હવામાન વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લામાં એલર્ટ જાહેર કરાયા છે અને આગામી 24 કલાક માટે મોરબી જિલ્લા માં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જોકે આ એલર્ટ મુજબ મધ્યમથી ભારે વરસાદ પડશે કે માત્ર હળવા ઝાપટા વરસશે તે જોવાનું રહ્યું.

