રાજનીતિ સત્તા માટે નહીં પણ સેવા માટે હોય છે, બસ આટલી સરળ વાત મોરબીના રાજકીય આગેવાનો ભૂલી ગયા હોય એવું લાગી રહ્યું છે હાલ તો સોશિયલ મીડિયા પર જ વિકાસ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર જ વિરોધ થઈ રહ્યો હોય એવું લાગે છે રાજકારણ જ ઓનલાઇન થઈ ગયું છે
સોશિયલ મીડિયામાં સમસ્યાઓને લઈને હંગામો મચાવતા કોંગ્રેસી મિત્રોને એટલું તો કહેવું છે કે પાટીદાર આંદોલનમાં પ્રજાએ તમારા પર જ ભરોસો મૂક્યો હતો પરંતુ પરિણામ એ આવ્યું કે તમારા એક ધારાસભ્ય ભાજપમાં ભળી ગયા અને બીજાએ સિચાઈ કૌભાંડમાં ફસાયા પછી જેલમાંથી બહાર આવવા ભાજપમાં ભળીને ગંગા નાહિ લીધી. જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર પરાકાષ્ટાએ પહોંચ્યો હતો બીજાના તો ઠીક કોંગી આગેવાનોના પણ પૈસા લેવાયા હોવાના આક્ષેપો કોંગી આગેવાનો જ કરી રહ્યા હતા મોરબી નગરપાલિકામાં પણ કોંગ્રેસની સત્તા આવી હતી પરંતુ ભાગબટાઈ માટે ઝગડયા ને પથારી મોરબીની જનતાની ફરી હતી તે તમારે પણ યાદ રાખવું જોઈએ. સત્તાની લડાઈમાં એવા વિરોધ ન હોવા જોઈએ કે જેનું પરિણામ સામાન્ય જનતાને ભોગવવુ પડે. પાટીદાર આંદોલનમાં ભાજપ પ્રત્યેની નારાજગીનો લાભ કોંગ્રેસ થયો હતો પરંતુ તમે પણ તે વખતે પ્રજાને તો રડાવી જ હતી તો હવે એના માટે તમારે સત્તા જોઈએ છે ? આ સવાલનો જવાબ પણ પહેલા જનતા ને આપજો
વાત રહી ભાજપની તો મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપનો આંતરિક જૂથવાદ પરાકાષ્ઠાએ છે ભાજપ જ ભાજપને ભયંકર નુકસાન કરી રહ્યું છે. મોરબીની તો વાત જ શું કરવી? મોરબીમાં તો આંધળા પણ જોઈ શકે છે કે ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ટિકિટ આવી ત્યારથી હજી સુધી તેમને સફળ ન થવા દેવાની છુપી કામગીરીનો એજન્ડા ભાજપના જ આગેવાનો ચલાવી રહ્યા છે.
કાંતિભાઈને પણ એટલું તો કહેવું છે કે પાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ હોય તો તેના માટે જવાબદાર સામે પગલા કેમ નથી લેવામાં આવતા ? કોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ? મોરબીમાં નકકર કામગીરી ક્યારે શરૂ થશે ? તમારા જ તમને કામ કરવા નહીં કરવા દે તો શું કરશો ? સોશિયલ મીડિયામાં લોકોને જવાબ આપવાના બદલે હવે કંઈક નકકર કામ કરો. સમસ્યા તો ઘણી છે ને કામ કંઈ થઈ રહ્યું હોય તેવું લાગી નથી રહ્યું ક્યાંક જવાબદાર અધિકારીઓ જ તો તમે બદનામ થાવ અને જનતાના આક્રોશનો ભોગ બનો તેવું તો નથી ઈચ્છી રહ્યા ને ? એ પણ તમારે જ જોવું પડશે બાકી તો લોકપ્રિયતા પણ ઘટશે જ ભૂલી ન જતા
ટંકારા ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા એ ગઈકાલે એક પોસ્ટ કરી હતી જેમાં 376 કરોડના કામની સૈદ્ધાંતિક મંજૂરી મેળવા માટે નેતાગીરીનો આભાર માન્યો અને પોતે કામ કરાવ્યું તેવો જશ લેવાનો પ્રયાસ કર્યો સારી વાત છે કામનો જશ તો મળવો જ જોઈએ પરંતુ જે કામની સૈદ્ધાંતિક મંજૂરીની આપ વાત કરી રહ્યા છે તે કામના ઓનલાઈન ટેન્ડર પણ થઈ ગયા છે તે કદાચ આપને ખબર નહીં હોય તેવું લાગી રહ્યું છે મોરબી શહેરની જનતા પરેશાન છે અનેક સમસ્યાઓ છે પાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ છે તો જ્યારે છેલ્લી ટર્મમાં ભાજપના શાસન હતું. તમામ 52 બેઠકો ભાજપની હતી ત્યારે તે સુવર્ણકાળમાં તમે જિલ્લા ભાજપ પ્રમુખ હતા તો જ્યારે આ તિજોરી ખાલી થઈ રહી હતી ત્યારે તમે શું કરતા હતા ? કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે તમે જવાબદારો સામે પગલાં લેવાય તે માટે ક્યાંય રજૂઆત પણ કરી હોય તો જનતાને જણાવજો.
મારી જનતાને નમ્ર અપીલ છે કે સાચું ખોટું સમજવાનો પ્રયાસ કરો રાજકીય વાતોમાં આવ્યા વિના હવે મોરબીના વિકાસ માટે પક્ષને નહીં પરંતુ સારા વ્યક્તિઓને આવનારી પાલિકાની ચૂંટણીમાં મત આપજો. હું તો કહું છું જનતાને જ 52 લોકો પસંદ કરી પાલિકાની જવાબદારી સોંપે બાકી આવું જ ચાલશે સમજો નહીં તો પસ્તાશો કારણકે કાગડા બધે જ કાળા હોય છે….
જયહિંદ

